લગડી જેવા ૯ પ્લોટ વેચી ૪૧૬ કરોડ કમાશે મનપા
સૌથી મોંઘો ૮૩.૧૬ કરોડનો પ્લોટ યુનિ. રોડ પર શિલ્પન ઓનિક્સ પાસેનો: અમીન માર્ગ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસેના પ્લોટ વેચવા કઢાયા
અંદાજે છેલ્લા બે વર્ષથી મહાપાલિકા દ્વારા પોતાની માલિકીના એક પણ પ્લોટનું વેચાણ કરવામાં આવી રહ્યું ન્હોતું કેમ કે તેના પર સરકારે બ્રેક લગાવી દીધી હતી. જો કે હવે રાજ્યની દરેક મહાપાલિકા અને નગરપાલિકાને જમીન વેચીને કમાણી કરવા માટે છૂટ આપી દેવામાં આવી હોય રાજકોટ મહાપાલિકા દ્વારા સોનાની લગડી જેવા ૯ પ્લોટ વેચીને ૪૧૬ કરોડથી વધુની કમાણી કરવામાં આવશે. અલગ-અલગ વિસ્તારોમાં આવેલા વેચાણ હેતુના પ્લોટ તંત્રએ વેચવા કાઢ્યા છે જેની હરાજીની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
મહાપાલિકા દ્વારા અલગ-અલગ ક્ષેત્રફળના પ્લોટની અલગ-અલગ અપસેટ પ્રાઈસ જાહેર કરવામાં આવી છે જે પ્રમાણે યુનિવર્સિટી રોડ પર શિલ્પન ઓનિક્સ પાસેનો ૧૦૫૫૪ ચોરસમીટરનું ક્ષેત્રફળ ધરાવતો પ્લોટ છે જેની અપસેટ પ્રાઈસ ૮૩.૧૬ કરોડ રૂપિયા છે. આ જ રીતે અમીન માર્ગ, રૈયા રોડ, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસે આવેલા પ્લોટની અપસેટ પ્રાઈસ પણ જાહેર કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા અગાઉ નાનામવા પાસેના પ્લોટની હરાજી કરવામાં આવી હતી જેનું વેચાણ ૧૧૭ કરોડમાં થયું હતું પરંતુ તંત્રની તીજોરીમાં તે પૈસા જમા થયા ન્હોતા કેમ કે પ્લોટ ખરીદાર ચૂકવણું કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા. હવે આગામી દિવસોમાં વધુ ૯ પ્લોટની હરાજી થવાની છે ત્યારે તેમાં નાનામવાવાળી ન થાય તેનું ધ્યાન પણ તંત્રએ રાખવું પડશે.
કયા ક્યા પ્લોટની હરાજી કરાશે
સ્થળ અપસેટ કિંમત (કરોડ) ક્ષેત્રફળ
શિલ્પન ઓનિક્સ પાસે (યુનિ.રોડ) ૮૩.૧૬ ૧૦૫૫૪
પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસે ૨૫.૩૭ ૨૯૮૫
ધોળકિયા સ્કૂલ પાસે-નાનામવા ૫૦૬૭ ૪૩.૦૭
પાઠક સ્કૂલ પાસે ૫૬.૫૭ ૬૧૪૩
ગંગોત્રી પાર્ક રોડ ૩૮.૫૭ ૪૫૩૮
કિડની હોસ્પિટલ પાસે ૫૯.૧૦ ૬૯૫૩
ગંગોત્રી પાર્ક મેઈન રોડ ૪૦.૫૯ ૪૭૭૬
સાવન સરફેસ-રૈયા રોડ ૨૪.૧૫ ૩૨૨૧
અમીન માર્ગ કોર્નર ૭૧ ૪૬૬૯
