દિવ્યાંગ પણ ચાલી શકે તેવા રસ્તા-ફૂટપાથ બનાવશે મનપા !!
અત્યારે બનાવાયેલી ફૂટપાથ ઢંગધડા વગરની: ખુદ ઈજનેરોને આંખે પાટા બાંધી-વ્હીલચેર પર બેસાડી અનુભવ' કરાવાયો
એ.સી.ચેમ્બરમાં બેસીને ચર્ચા કરવાની જગ્યાએ ફિલ્ડમાં ઉતરી કામ કરવાનો આદેશ આપતાં મ્યુ.કમિશનર
રાજકોટના રસ્તા અને ફૂટપાથની હાલત કેવી છે અને છાશવારે કેવી થઈ જાય છે તે કહેવાની અત્રે જરૂરિયાત લાગતી નથી. જો કે આવનારા દિવસોમાં દિવ્યાંગો અને આંખ વગરના લોકો પણ ચાલી શકે તેવા રસ્તા અને ફૂટપાથ બનાવવાના સ્વપ્ન અત્યારે મહાપાલિકા સેવી રહી છે ! આ માટે ઈજનેરોએ રસ્તા-ફૂટપાથ ઉપર ઉતરીને
અનુભવ’ કર્યો ત્યારે મહત્તમ સ્થળે એવું લાગ્યું હતું કે અત્યારે બનાવવામાં આવેલી ફૂટપાથ ઢંગધડા વગરની છે ! બીજી બાજુ તમામ ઈજનેરો સહિતનાને એ.સી.ચેમ્બરમાં બેસીને ફૂટપાથ-રસ્તાનો `વિકાસ’ કેવી રીતે કરવો તેની ચર્ચા કરવાની જગ્યાએ ફિલ્ડમાં ઉતરી કામ કરવાનો આદેશ પણ મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ દ્વારા આપવામાં આવ્યો હતો.
રવિવારે મહાપાલિકાના સિટી ઈજનેર વાય.કે.ગોસ્વામી, પરેશ અઢિયા સહિતનાએ રૈયા રોડથી સાધુ વાસવાણી રોડ સુધીના વિસ્તારમાં આંખે પાટા તેમજ વ્હીલચેર પર બેસીને ફૂટપાથ તેમજ રસ્તાની હાલત કેવી છે તેનું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણના અંતે એક નિષ્કર્ષ સુધી સૌ પહોંચ્યા હતા કે ફૂટપાથ અને રસ્તા કામમાં થોડું નહીં બલ્કે ઘણું બધું કાચું કપાઈ રહ્યું છે. આ સ્થિતિ સુધારવા માટે હવે મહાપાલિકા દ્વારા આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.
દરમિયાન જર્મનીની એજન્સી જીઆઈઝેડના સમર્થન સાથે કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી મંત્રાલય, જર્મન ફેડરલ મિનિસ્ટ્રી ફોર ઈકોનોમિક કો-ઓપરેશન દ્વારા સસ્ટેનેબલ અર્બન મોબિલિટી, એર ક્વોલિટી, ક્લાઈમેટ એક્શન એક્સેસિબિલિટી સંબંધિત ક્ષેત્રના પ્રોજેક્ટની અમલવારી માટે ટેક્નીકલ સહયોગ ઉપલબ્ધ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાંથી રાજકોટ અને સુરતની પસંદગી કરવામાં આવી છે જે અંતર્ગત શડેરમાં એક વર્કશોપ આયોજિત કરવામાં આવ્યો હતો જેને સંબોધિત કરતાં મ્યુ.કમિશનરે જણાવ્યું હતું કે શહેરના રસ્તાઓ તમામ લોકો માટે ઉપયોગી બને તે પ્રકારની ડિઝાઈન સાથે હોવા જોઈએ. રસ્તાઓની ડિઝાઈન બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે તે જરૂરી છે. તમામ રસ્તાઓની ડિઝાઈન દરમિયાન રસ્તા માટે અનુમાનિત વાહનોની સ્પીડ, રસ્તાની પહોળાઈ, આસપાસમાં આવેલ બિલ્ડિંગના વપરાશકર્તા તેમજ અન્ડર ગ્રાઉન્ડ યુટિલિટી સર્વિસીસને વિશેષ ધ્યાન આપવા તેમણે ભાર મુક્યો હતો.