રેલનગરમાં 1.5 BHKના ૧૦૧૦ આવાસ બનાવશે મનપા: કાલથી ફોર્મ વિતરણ
૫.૫૦ લાખ રૂપિયામાં મળશે ઘરનું ઘર: ૨૨ ડિસેમ્બર સુધીમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે
ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મહાપાલિકા દ્વારા શહેરમાં વધુ એક આવાસ યોજના તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રેલનગર, ઘનશ્યામ બંગલોઝની બાજુમાં, પોપટપરા વેર હાઉસ પાસે મહાપાલિકા દ્વારા ૧.૫ બેડરૂમ-હોલ-કિચનના ૧૦૧૦ આવાસ તૈયાર કરવામાં આવશે જેના ફોર્મનું આવતીકાલથી તા.૨૨ ડિસેમ્બર સુધી વિતરણ કરવામાં આવશે.
આ અંગે મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, હાઉસિંગ ઈમ્પ્રુવમેન્ટ અને ક્લિયરન્સ સમિતિના ચેરમેન નીતિન રામાણીએ જણાવ્યું કે આવતીકાલથી કોટક બેન્કની શહેરની તમામ શાખાઓ અને મહાપાલિકાના તમામ સિવિક સેન્ટર પરથી ૧૦૦ રૂપિયા ફી ભરીને ફોર્મ મેળવી શકાશે. ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ ૨૨ ડિસેમ્બર રહેશે. આ ઉપરાંત લોકો મહાપાલિકાની વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકશે. ઓનલાઈન ફોર્મ ભરનારે ફી ૫૦ રૂપિયા ભરવાની રહેશે.
આ આવાસની કિંમત ૫.૫૦ લાખ રૂપિયા રહેશે જેમાં સમગ્ર કુટુંબની મહત્તમ વાર્ષિક આવક મર્યાદા ૩ લાખ સુધીની રહેશે. આવાસની ફાળવણી કોમ્પ્યુટરાઈઝડ ડ્રો મારફતે કરવામાં આવશે. આ આવાસ યોજનાના દરેક આવાસમાં કાર્પેટ એરિયા ૪૦ ચોરસમીટર રહેશે જેમાં એક બેડરૂમ, એક સ્ટડીરૂમ, એક હોલ, કિચન, વોશ એરિયા અને બાથરૂમ-ટોયલેટ સહિતની સુવિધા મળશે.