કીર્તિ ગર્લ્સ હોસ્ટેલ-જલારામ ફાસ્ટ ફૂડમાં મનપાનો દરોડો: બેફામ ગંદકી મળી
ગોંડલ રોડ પર મોમોસ, ચાઈનીઝ-પંજાબી, દાબેલી, સેન્ડવીચ, છોલે-કુલ્ચેનું વેચાણ કરતી દુકાન રેંકડીઓનું ચેકિંગ, અનેક પાસે લાયસન્સ ન્હોતા
મહાપાલિકાની ફૂડ શાખા `એક્ટિવ મોડ’માં કામ કરી રહી હોય દર સપ્તાહે બે વખત સઘન ચેકિંગ કરીને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થનું વેચાણ કરતી પેઢીઓ તેમજ દુકાનો-રેંકડીઓ પર દરોડા પાડી રહી છે.
આવો જ દરોડો રવિ રત્ન પાર્ક, સોમેશ્વર મહાદેવ સામે આવેલી કીર્તિ ગર્લ્સ હોસ્ટેલમાં પાડવામાં આવ્યો હતો જ્યાં ગંદકી મળી આવતાં સંચાલકોને નોટિસ ફટકારાઈ હતી. આ ઉપરાંત યુનિવર્સિટી રોડ પર ઝવેરચંદ મેઘાણી કોમ્પલેક્સમાં આવેલા જલારામ ફાસ્ટફૂડમાં દરોડો પાડતાં ત્યાં પણ ગંદકી જોવા મળી હતી.
દરમિયાન ફૂડ શાખાએ પીડીએમ કોલેજ સામેના વિસ્તારમાં ખાણીપીણીના ૩૧ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું જેમાં ૯ પાસે લાયસન્સ ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ ધંધાર્થીમાં ગાયત્રી મદ્રાસ કાફે, રાહી મોમોસ, ઉસ્તાદ ચાઈનીઝ-પંજાબી, જય ભવાની પૂરી-શાક, શ્રીરામ ચાઈનીઝ-પંજાબી, હર હર મહાદેવ ચાઈનીઝ-પંજાબી, માહિર મદ્રાસ કાફે, માહિર ચાઈનીઝ-પંજાબી અને જય દ્વારકાધીશ વડાપાંઉનો સમાવેશ થાય છે.
સીલ થયેલા જે.કે. સેલ્સ-આશા ફૂડસમાંથી ૯ નમૂના લેવાયા
તાજેતરમાં જ મહાપાલિકા દ્વારા આજી ડેમ ચોકડી વિસ્તારમાં જે.કે.સેલ્સ અને આશા ફૂડસને સીલ મારવામાં આવ્યું હતું ત્યારે હવે આ બન્ને પેઢીમાંથી દાબેલા ચણા, શંખજીરુ, ફ્રાઈંગ ઓઈલ, પલાળેલા ચણા સહિતના નમૂના લઈને ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.