મનપાએ વાહનોના નકામા ટાયરમાં ગુલાબ સહિતના ફુલ ઉગાડ્યા !
રેસકોર્સના મહિલા ગાર્ડનમાં વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી `વેસ્ટ ટુ વન્ડર પાર્ક’ બનાવાયો
સામાન્ય રીતે વાહનોના ટાયર ઘસાય જાય એટલે તેને ભંગારમાં આપી દેવાતાં હોય છે અથવા તો યોગ્ય સ્થળે તેનો નિકાલ કરી દેવાતો હોય છે. જો કે મહાપાલિકા દ્વારા પોતાના વાહનોના નકામા ટાયરનો ઉપયોગ કરી તેમાં એક એકથી ચડિયાતા ફુલ ઉગાડવામાં આવ્યા છે.
રાજકોટ હરિયાળું બને અને પર્યાવરણમાં સુધારો થાય તે માટે વૃક્ષ વાવેતરની દરરોજ અપીલ કરવામાં આવે છે પરંતુ હવે મનપા દ્વારા એક નવતર અભિગમ અખત્યાર કરાયો છે. મહિલા ગાર્ડન-રેસકોર્સ ખાતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી વેસ્ટ ટુ વન્ડર પાર્ક બનાવાયો છે. અહીં મનપાના વાહનોના ટાયર જેવા કે ટે્રક્ટર, મોટર સાઈકલ, રિક્ષા, સ્કૂટર સહિતના નકામા અને બિનઉપયોગી ટાયરનો વૃક્ષ ઉગાડવાના કુંડા રૂપે ઉપયોગ કરી તેમાં અલગ-અલગ ફૂલ-છોડના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ વૃક્ષારોપણ કુંડાઓ મહિલા ગાર્ડન રેસકોર્સમાં મુકવામાં આવ્યા છે.
આ વેસ્ટ ટુ વન્ડર પાર્કમાં ગુલાબ, બેગમ બહાર, બારમાસી, યુંફોરબીયા, ડે્રસીના, ઓફિસ ટાઈમ, પોટેટો ક્રીપર, ગોગન વેલીયા, ફાયક્સ, પામ, એન્થેરિયમ, શ્યામ તુલસી, રીકોમા અને રવિ સહિતના ફૂલછોડનું વાવેતર કરવામાં આવ્યું છે.