રાજકોટને `ઢોરમુક્ત’ કરવા સરકાર પાસે ૩૬.૬૦ કરોડ માંગતી મનપા
કોઠારિયા, મવડી અને જામનગર રોડ પર ત્રણ નવી તેમજ હાલની ત્રણેય એનિમલ હોસ્ટેલને ૧૪.૭૦ કરોડના ખર્ચે અપગ્રેડ કરાશે: ઢોર પકડવા વધુ ચાર ટે્રક્ટર, બે ટ્રોલી, લોડર, જીપ, સ્ટાફ માટે સેફ્ટી ગાર્ડ-જાળી ફિટ કરેલી જીપ અને તેના પર કેમેરા ઉપરાંત ૧૦ બોડીવૉર્ન કેમેરા ખરીદાશે
સરકારના આદેશ બાદ મહાપાલિકા દ્વારા દિવસ-રાત રસ્તે રખડતાં ઢોર પકડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે આવનારા દિવસોમાં આ ઝુંબેશને વધુ ધારદાર બનાવવા તેમજ રાજકોટને સંપૂર્ણપણે ઢોરમુક્ત કરવા માટે મહાપાલિકા દ્વારા સરકાર પાસે ૩૬.૬૦ કરોડની માંગણી કરવામાં આવી છે. આ અંગેની દરખાસ્ત મ્યુનિ.કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને મોકલાયા બાદ હવે શનિવારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડને મોકલવામાં આવનાર હોવાનું ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે ૩૬.૬૦ કરોડની ગ્રાન્ટમાંથી મહાપાલિકા દ્વારા કોઠારિયા, મવડી અને જામનગર રોડ ઉપર એમ ત્રણ નવી એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવશે. આ ઉપરાંત હાલની હયાત એનિમલ હોસ્ટેલને અપગ્રેડ કરવામાં આવશે. આ પાછળ ૧૪.૭૦ કરોડના ખર્ચનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઢોરપકડ શાખા માટે ચાર નવા ટે્રક્ટર, બે નવી ટ્રોલી, બે લોડર, ૩ બોબકેટ, ૬ જીપ, ચાર રેગ્યુલર ટ્રોલી, એક જેસીબી, ૨ ડમ્બર, ૧૨ સેફ્ટી ગાર્ડ એન્ડ જાળી ફિટ કરેલી જીપ, ૧૨ જીપ ઉપર સીસીટીવી કેમેરા સિસ્ટમ તેમજ ૧૦ બોડી વૉર્ન કેમેરાની ખરીદી કરવામાં આવશે જેના માટે ૩.૯૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
કાલે મહાપાલિકાની સ્ટેન્ડિંગ: ૨૪ દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય
મહાપાલિકામાં આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે જેમાં ૨૪ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. આ દરખાસ્તોમાં મુખ્યત્વે પાછલી પાંચ બેઠકથી પેન્ડીંગ રહેલી મોટામવા ગામતળથી મહાપાલિકાની હદ સુધીના રસ્તાને ૩૦ મીટરમાંથી ૪૫ મીટરનો કરવાની દરખાસ્ત છે જેના ઉપર નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત ઢોરપકડ શાખાના ઉપયોગ માટે નવું હાઈડ્રોલિક વાહન ખરીદવા સહિતની દરખાસ્તો સમાવિષ્ટ છે.
મહાપાલિકામાં આવનારા મહેમાનોનું સ્વાગત પુસ્તકથી નહીં, ગુલાબ-રૂમાલથી કરાશે
કરકસરના ચુસ્ત આગ્રહી એવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને એવો મહત્ત્વનો નિર્ણય લીધો છે કે મહાપાલિકામાં આવનારા મહેમાનોનું સ્વાગત હવે પુસ્તકથી નહીં બલ્કે ગુલાબ-રૂમાલથી કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય નાના-મોટા ખર્ચ ઉપર કાપ મુકવાની દિશામાં પણ તેમણે વિચારણા હાથ ધરી છે.