દૂધની ડેરીએ આવતાં ટેન્કરોમાં મનપાનું ચેકિંગ
મિલ્કોમીટર' ઉપરાંત લિક્વિડથી દૂધમાં ભેળસેળ છે કે નહીં તેની ખરાઈ કરાઈ
કાલાવડ રોડ હૉકર્સ ઝોનમાંથી પાણીપુરીનું પાણી, બટર, બટાટાવડા, આઈસ્ક્રીમ સહિતના નમૂના લેવાયા
રાજકોટના મહત્તમ વિસ્તારોમાં જ્યાંથી દૂધની સપ્લાય થાય છે તે દૂધની ડેરીએ દૂધ સપ્લાય કરવા આવતાં ટેન્કરોનું મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. દૂધસાગર રોડ ઉપર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડમાં આખા જિલ્લામાંથી દૂધ સપ્લાય થતું હોય તેમાં ભેળસેળ છે કે નહીં તેની ખરાઈ કરવા માટે ૧૫ નમૂનાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ માટે મહાપાલિકાએ
મીલ્કોમીટર’ની મદદ લીધી હતી જેમાં દૂધનું સેમ્પલ નાખતાં જ યુરિયા કે ડિટર્જન્ટની ભેળસેળ છે કે નહીં તેનો ખુલાસો થાય છે. આ ઉપરાંત ખાસ લિક્વિડથી પણ દૂધનું ચેકિંગ કરાયું હતું. જો કે એક પણ નમૂનામાં ભેળસેળ ન હોવાનું ખુલ્યું હતું.
બીજી બાજુ ઉપલેટાના તણસવા ગામે કોલેરાએ આતંક મચાવ્યો છે ત્યારે તેવી જ પરિસ્થિતિ અહીં નિર્માણ ન પામે તે માટે મનપા દ્વારા ખાસ કરીને હૉકર્સ ઝોન કે જ્યાં મોટાપાયે ગંદકી થતી હોવાની ફરિયાદો ઉઠતી હોવાથી ત્યાં ચેકિંગ કરીને નમૂના લેવાની કાર્યવાહી કરી હતી.
ફૂડ શાખાએ કાલાવડ રોડ પર એ.જી.ચોક હૉકર્સ ઝોનમાં દિલખુશ પાણીપુરીમાંથી પાણીપુરીનું પાણી, શ્રીનાથજી ભેળ પાણીપૂરીમાંથી પાણીપુરીનું પાણી, શુભમ સેન્ડવિચમાંથી બટર, જિલાની વડાપાંઉમાંથી બટેટાના વડા, જયશ્રી રામ ચાઈનીઝ પંજાબીમાંથી પનીર, પટેલ ચાઈનીઝ પંજાબીમાંથી લાલ મરચું, ભેરુનાથ કસાટા આઈસ્ક્રીમમાંથી આઈસ્ક્રીમ (લૂઝ)ના નમૂના લઈને પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.