હસ્તકલાથી આત્મનિર્ભરના અજવાળા પાથરતાં રાજકોટના મનીષાબેન
ઉબડ ખાબડ ટેકરા હોય એક નવા ઉઘાડ માટે..ઘડિયાળની ટીક.. ટીક.. હોય સફળતા માટે…હુન્નનર હોય અસ્તિત્વની ઓળખ માટે
ત્રણ પુત્રીઓની માતાએપારિવારિક અને વ્યવહારિક જવાબદારી સાથે માટીમાંથી ફેન્સી દીવડા, લાભ શુભ, તોરણ, શો પીસ અને ઘર સજાવટની કલાત્મક ચીજ વસ્તુઓ બનાવી વેચાણ કરી રહ્યા છે:સખી મંડળના સંગાથે બીજી મહિલાઓને પણ પગભર બનાવી

દરેક લોકોમાં કંઈકને કંઈક આવડત છુપાયેલી હોય છે બસ એને શોધવાની જરૂરત છે.હુન્નર ક્યારેય એળે નથી જતું એ વાતને આજે અનેક લોકોએ સાર્થક કરી બતાવી છે.દિવાળી નજીક છે,આ પર્વ પહેલા રાજકોટના મનીષાબેન અખિયાણીયાએ આત્મનિર્ભરના અજવાળા પાથર્યા છે.

રાજકોટના બેડીમાં રહેતા અને ત્રણ પુત્રીઓની માતાએ પારિવારિક અને વ્યવહારિક જવાબદારી નિભાવવાની સાથે તેમના પરિવાર માટે પણ આધારસ્તંભ બન્યા છે. મનિષાબેન માટીમાંથી ફેન્સી દીવડા, લાભ શુભ, તોરણ, શો પીસ અને ઘર સજાવટની કલાત્મક ચીજ વસ્તુઓ બનાવીને તેનું વેચાણ કરી તેમની સાથે તે અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવી રહ્યા છે. બેડી ગામમાં રહેતા મનિષાબેન રવિ રાંદલ મિશન મંગલમમાં પ્રમુખ તરીકે જવાબદારી નિભાવે છે આઠ વર્ષથી આ મંડળ સાથે જોડાઈને મંડલા આર્ટ, હેન્ડીક્રાફ્ટ અને હસ્તકલાની અનેક વસ્તુઓ બનાવીને હસ્તકલાના પ્રદર્શનમાં તેઓ તેનું વેચાણ કરે છે. રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત સ્વસહાય જૂથ સાથે પણ તેઓ સંકળાયેલા રહ્યા છે.
મનીષાબેનએ જણાવ્યું હતું કે, મહિલાઓને ઘર પરિવારની જવાબદારીમાંથી સમય કાઢવો મુશ્કેલ બને છે પરંતુ જો તે ધારે તો દરેક જવાબદારીને નિભાવતા નિભાવતા પોતાની એક આવડત થકી અલગ ઓળખાણ પણ બનાવી શકે છે જ્યારે આ કાર્યમાં સરકાર દ્વારા મદદ મળે છે. અનેક બહેનોના ઉત્કર્ષ માટે સરકારે 30000નું રિવોલ્વિંગ ફંડ અને દોઢ લાખની લોન આપી છે.
આ મંડળમાં જોડાયા પછી વ્યવસાય માટે ઘરમાંથી બહાર નીકળવાની હું પહેલ કરી શકે અને મારી સાથે અનેક બહેનો પણ પગભર બની છે રાજકોટમાં યોજાયેલા હેન્ડીક્રાફ્ટ મેળામાં ભાગ લીધા બાદ હવે સુરત અમદાવાદ સહિત સખી મેળામાં ભાગ લેવા માટે જઈએ છીએ જેમાં સરકાર તરફથી તમામ વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે છે. હાલમાં જામનગરમાં યોજાયેલા મેળામાં મનીષાબેન અને તેમની ટીમએ ભાગ લીધો છે જેમાં કલાત્મક દીવડાઓ અને ઘર સજાવટ ની ચીજ વસ્તુઓની સારી ડિમાન્ડ છે.
સ્થાનિક કલાકારોની કલાને ઉજાગર કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર સાથે ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવા ‘પરિશ્રમને અજવાળીએ’ અભિયાન અમલી કરાયું હતું. ત્યારે આ વર્ષે પણ આપણે સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરીને તેમના પરિશ્રમને અજવાળીએ અને તેમની દીપાવલી દીપાવીએ.