૧૫૦ ફૂટ રિંગરોડ પર રેડ એપલ ગાર્ડન રેસ્ટોરન્ટના મંચુરિયન ‘બેકાર’
સિન્થેટિક કલરની ભેળસેળ ખૂલી: કૂવાડવા રોડ પર જલારામ ચીકીમાં ખાણીપીણીના પેકટમાં
ગોલમાલ’ દેખાતાં નોટિસ
રાજકોટમાં તો હવે ખાણીપીણીના ખાઈ શકાય તેવા ઓછા અને ન ખાઈ શકાય તેવા પદાર્થ વધુ વેચાતા હોય તેવું લોકો માનવા લાગ્યા છે. આ દૂષણને ડામવા માટે મનપાની ફૂડ શાખા દ્વારા રાબેતા મુજબ દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે પરંતુ તેની કોઈ જ અસર દેખાતી ન હોય તેવું લાગ્યા વગર રહેતું નથી. જો કે તંત્ર દ્વારા ચેકિંગ ઝુંબેશ વધુને વધુ સઘન બનાવાઈ રહી છે. આવો જ એક દરોડો નવા ૧૫૦ ફૂટ રિંગરોડ-૨ ઉપર આવેલા રેડ એપલ ગાર્ડન રેસ્ટોરન્ટમાં પાડીને ત્યાંથી મંચુરિયન ફ્રાઈડનો નમૂનો લઈને લેબોરેટરીમાં મોકલાયો હતો. હવે તેમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા સિન્થેટિક ફૂડ કલરની ભેળસેળ હોવાનું ખુલતાં રેસ્ટોરન્ટ માલિક સામે કાર્યવાહીની તજવીજ શરૂ કરાઈ છે.
આવી જ રીતે કૂવાડવા રોડ પર આવેલી જલારામ ચીકી-રામનાથ ટે્રડર્સને ત્યાં તપાસ કરાતાં ખાદ્યવસ્તુના પેકેટ પર યોગ્ય લેબલ, ઉત્પાદનની તારીખ, એક્સપાયર ક્યારે થાય છે તેની તારીખ સહિતની વિગતો જોવા ન મળતાં નોટિસ ફટકારાઈ હતી. આ ઉપરાંત મોરબી રોડ હોકર્સ ઝોન વિસ્તારમાં ખાદ્યપદાર્થનું વેચાણ કરતાં ૨૧ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવતા ૧૮ પાસે લાયસન્સ ન હોવાનું ખુલ્યું હતું.