શુક્રવારે રાજકોટમાં સભા ગજવશે મલ્લિકાર્જુન ખડગે
સવારે ૧૦ વાગ્યાથી ઢેબર ચોકમાં જાહેરસભાનું આયોજન: પ્રદેશ નેતાગીરી ઉપસ્થિત રહેશે
પાંચ હજારથી વધુ લોકો એકઠા થવાનો કોંગ્રેસનો દાવો
ક્ષત્રિય સમાજના વલણ પર રહેશે સૌની નજર
લોકસભા ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં મતદાન આડે હવે એક સપ્તાહ બાકી રહ્યું છે ત્યારે છેલ્લી ઘડીએ મતદારોને પોતાના અંકે કરી લેવા માટે ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. શનિવારે જામકંડોરણા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભા ગજવ્યા બાદ હવે શુક્રવારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સભા ગજવવા માટે રાજકોટ આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ઢેબર ચોકમાં જંગી જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે જે સવારે ૧૦ વાગ્યાથી શરૂ થશે.
આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું કે આ સભામાં પ્રદેશ નેતાગીરી જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના તમામ નેતાઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પાંચ હજારથી વધુ લોકો એકઠા થશે.
બીજી બાજુ પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ શમવાનું નામ લઈ રહ્યો નથી અને રૂપાલા જ નહીં બલ્કે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવાની હાકલ કરવામાં આવી રહી છે ત્યારે તે બધાની વચ્ચે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ રાજા-મહારાજાને લઈને નિવેદન આપતાં બળતામાં ઘી હોમાયું છે. ક્ષત્રિય સમાજ રાહુલ ગાંધી પ્રત્યે પણ રોષ વ્યક્ત કરી રહ્યો છે ત્યારે શુક્રવારે ખડગેની સભા વખતે ક્ષત્રિય સમાજનું વલણ કેવું રહેશે તેના ઉપર સૌની નજર મંડાયેલી છે.
