માલધારીઓને મળશે ખેડૂતનો દરજ્જો
રાજ્ય સરકારના મહેસુલ વિભાગે તમામ જિલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી
રાજ્યમાં વસવાટ કરતા માલધારી સમાજ દ્વારા પાછલા ઘણા વર્ષોથી ખેડૂત ખાતેદારનો દરજ્જો મેળવવા માટે અનેક વખત રજુઆત અને સંમેલનો યોજી સરકાર સમક્ષ માંગણી ઉઠાવવામાં આવી છે ત્યારે વર્ષો જૂની માલધારી સમાજની માંગ પ્રત્યે સરકારે પુખ્ત વિચારણા શરૂ કરી હોય તેવા સંકેતો વચ્ચે સોમવારે રાજ્યના તમામ જિલ્લા કલેકટરો સાથે આ મુદ્દે મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી.
રાજ્યમાં ખેતીની જમીનના નિયમન માટે ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ-૧૯૪૮ અસ્તિત્વમાં છે. આ કાયદો જમીન સુધારાના ભાગરૂપે મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં હતું ત્યારે ઘડવામાં આવેલ, ગુજરાત રાજ્ય મુંબઈ રાજ્યમાંથી અલગ થવાથી આ કાયદો પણ અન્ય કાયદાઓની માફક અમલમાં છે. જો કે, ગુજરાત લેન્ડ રેવન્યુ એક્ટ કાયદો પણ અમલમાં છે ત્યારે ગણોતધારાની કલમ-૬૩ મુજબ કોઈપણ બિનખેડુત વ્યક્તિ, કલેક્ટરની પરવાનગી સિવાય ખેતીની જમીન ધારણ કરી શક્તો નથી. બીજી તરફ રાજ્યમાં વસવાટ કરતા માલધારી સમાજ દ્વારા લાંબા સમયથી ખેડૂતનો દરજ્જો મેળવવા અનેક વખત રજુઆત કરી સંમેલનો યોજી સરકારને વખતો વખત આ મામલે રજુઆત કરવામાં આવી રહી છે.
દરમિયાન સોમવારે રાજ્યના મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા માલધારી સમાજને ખેડૂત ખાતેદારનો દરજ્જો આપવા મામલે તમામ જિલ્લા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજી હતી, સૂત્રોના જણવ્યા મુજબ આ વિડીયો કોન્ફરન્સમાં તમામ જિલ્લા કલેકટરો પાસેથી અભિપ્રાયો મેળવામાં આવ્યા હતા ત્યારે આવનાર દિવસોમાં સરકાર આ દિશામાં ગંભીરતા પૂર્વક આગળ વધી માલધારી સમાજની માંગણી પ્રત્યે હકારાત્મક નિર્ણય લે તેવી શક્યતા જોવાઈ રહી છે.