કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવો : કોળી સમાજની માંગણી
સમાજના આગેવાનોએ વડાપ્રધાનને લખ્યો પત્ર : ભાજપને જીતાડવામાં તેમણે ઘણી મહેનત કરી હોવાનો દાવો
લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી હવે ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે કે પછી પ્રધાનમંડળનું વિસ્તરણ થશે તો કોને લેવાશે તેવી ચર્ચાઓ વચ્ચે રાજ્યના કોળી સમાજે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લખેલા એક પત્રમાં ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપતભાઈ ડાભી અને પાંચાળ વિકાસ બોર્ડનાં પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ લખેલા પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં કોળી સમાજની વસતિ ૩૨ ટકા છે અને આ સમગ્ર સમાજ કુંવરજીભાઈ મુખ્યમંત્રી થાય તેવું ઈચ્છે છે.
ભુપતભાઈ ડાભીએ લખેલા પત્રમાં જણાવાયું છે કે, લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કોળી સમાજ, ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ, અને દક્ષિણ ગુજરાતનો કોળી પટેલ સમાજ ભાજપની સાથે રહ્યો છે અને હવે આ સમાજ ઈચ્છે છે કે, કુંવરજીભાઈ મુખ્યમંત્રી બને.
વિનોદભાઈ વાલાણીએ લખેલા પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સમગ્ર રાજ્યમાં સર્વે કરાવવામાં આવ્યો છે અને તેમાં બધાની માંગ કુંવરજીભાઈ મુખ્યમંત્રી થાય તેવી છે. તેઓ ભાજપમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે. સૌરાષ્ટ્રમાં ભાજપના ઉમેદવારોને જીતાડવામાં કુંવરજીભાઈનો સિંહ ફાળો રહ્યો છે.
આ પત્ર અનુસાર, માત્ર કોળી સમાજ જ નહી પણ અન્ય સમાજ પણ કુંવરજીભાઈને ઈચ્છે છે. ભૂતકાળમાં કોંગ્રેસે ઓ.બી.સી.નેતા માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ચીમનભાઈ પટેલ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે સી.ડી.પટેલ ( કોળી)ને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યારે કોળી સમાજના સાત સાત મંત્રીઓ પ્રતિનિધિત્વ કરતા હતા.
આ બાબતને ધ્યાનમાં રાખીને કુંવરજીભાઈને મુખ્યમંત્રી બનાવવા જોઈએ તેવી માંગ ઉઠાવવામાં આવી છે. પત્રની આ નકલ જે.પી. નડા અને અમિત શાહને પણ મોકલવામાં આવી છે.