રાજકોટનો લોકમેળો ટલ્લે ! માર્ગ મકાન વિભાગે હજુ પ્લાન જ નથી બનાવ્યો
મેળા આડે હવે 46 દિવસ જ બાકી હોવા છતાં ફોર્મ વિતરણની તારીખ પણ નક્કી નથી
રાજકોટ : રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને પગલે હવે તમામ તંત્ર ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહ્યું છે ત્યારે રાજકોટના રેષકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાતા લોકમેળો ટલ્લે ચડ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે હજુ માર્ગ અને મકાન વિભાગે મેળાના આયોજન માટે પ્લાન નકશા પણ બનાવ્યા ન હોય સ્ટોલ માટેના ફોર્મ વિતરણ તો ઠીક ફોર્મ વિતરણની તારીખ પણ નક્કી થઇ શકી નથી.
આગામી તા. 24થી 28 ઓગસ્ટ દરમિયાન રાજકોટના રેષકોર્ષ મેદાન ખાતે યોજાનાર લોકમેળાના આયોજનમાં આ વર્ષે તંત્ર ઢીલું ઢીલું હોવાના અણસારો મળી રહ્યા છે, સામાન્ય રીતે દર વખતે લોકમેળાના આયોજન માટે ત્રણ મહિના અગાઉ જ તૈયારી શરૂ થતી હોય છે પરંતુ આ વર્ષે લોકમેળા આડે હવે 46 દિવસ જ બાકી રહ્યા હોવા છતાં લોકમેળાના આયોજન માટેના પ્લાન નકશા હજુ સુધી માર્ગ અને મકાન વિભાગે તૈયાર કર્યા ન હોય ફોર્મ વિતરણની તારીખો પણ નક્કી થઇ શકી નથી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ જ્યાં મોટો જનસમૂહ એકત્રિત થતો હોય તેવા આયોજનને લઈ અધિકારીઓ મુન્ઝ્વનમાં મુકાય હોવાનું અને અગ્નિકાંડને પગલે ક્રાઉડ કંટ્રોલ માટે આ વખતે લોકમેળામાં 40 ટકા સ્ટોલ ઘટાડવા પણ નિર્ણ કરવામાં આવ્યો છે ત્યારે લોકમેળા સમિતિના સૂત્રો માર્ગ અને મકાન વિભાગના નકશા અને પ્લાન બાદ આગળની કાર્યવાહી થશે તેવું જણાવી રહ્યા છે તો માર્ગ અને મકાન વિભાગ હજુ વહીવટી તંત્રએ આયોજનની રૂપરેખા આપી ન હોય પ્લાન નકશા નહીં બન્યાનું જણાવી રહ્યા છે. બીજી તરફ રેષકોર્ષ ગ્રાઉન્ડમાં મેળાને કારણે ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ન પણ ગંભીર હોય આ બાબતને પણ તંત્રએ ગંભીરતાથી લેવી પડે તેવી સ્થિતિ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.