લોધીકા મામલતદારે સતત બીજા દિવસે બુલડોઝર ચલાવ્યું
વીરવા ગામે સરકારી જમીનમાં ખડકાયેલા ઔદ્યોગિક દબાણનો કડૂસલો
લોધીકા તાલુકામાં સરકારી જમીન ઉપર આશ્રમ, ઇન્ડસ્ટ્રીઝ અને હોટલો ખડકાઈ જવાના સિલસિલા વચ્ચે ગુરુવારે મામલતદાર ટીમે સરકારી જમીન ઉપર ખડકાઈ ગયેલી ચાર હોટલો ઉપર બુલડોઝર ફેરવી દીધા બાદ શુક્રવારે લોધીકા તાલુકાના વીરવા ગામે સરકારી જમીન ઉપર ઇન્ડસ્ટ્રીઝ બની જતા અંદાજે 2 કરોડની કિંમતની 2 હજાર ચોરસમીટર જમીન ખુલ્લી કરાવવા બુલડોઝરની ધણધણાટી બોલાવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ લોધીકા તાલુકાના વીરવા ગામના રેવન્યુ સર્વે નંબર 71ની સરકારી ખરાબાની જમીન ઉપર દબાણકર્તાઓ દ્વારા ઔદ્યોગિક દબાણ કરી લેતા મામલતદાર દ્વારા મહેસુલી કાયદા મુજબ નોટિસ ફટકારવા છતાં દબાણ દૂર નહીં કરવામાં આવતા મામલતદાર અને તેમની ટીમે ઓપરેશન ડિમોલિશન હાથ ધરી અંદાજે રૂપિયા બે કરોડની કિંમતની 2000 ચોરસ મીટર જમીન ઉપર બુલડોઝર ફેરવી દઈ જમીન ખુલ્લી કરાવી હતી.