શેઢા પ્રશ્ને હત્યા કેસમાં છ આરોપીઓને આજીવન કેદની સજા
સરકારી વકીલ અને ફરિયાદીના વકીલે કરેલી દલીલને ધ્યાને લઇ કોર્ટે આપેલો ચુકાદો
રાજકોટના ચાચડિયા ગામે 10 વર્ષ પૂર્વે દંપતિ ઉપર હુમલો કરી વૃદ્ધની હત્યા કરવાના ગુનામાં છ આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ હત્યા કેસમાં એક આરોપીનું મૃત્યુ નીપજતા તેની સામેનો કેસ એબેટ કરી બાકીના છ આરોપીને અદાલતે આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
રાજકોટ તાલુકાના ચાચડિયા ગામે રહેતા હિતેશભાઈ સગ્રામભાઇ ખસીયાને શેઢા પાડોશીઓ વચ્ચે વાડીએ જવાના રસ્તામાં મુદ્દે ચાલતી અદાવતમાં તા.26-10-2012ના રોજ આરોપી ભનુ જાદવભાઈ કુમારખાણીયા, રાઘવ ખીમજીભાઇ કુમારખાણીયા, રમેશ નથુભાઈ કુમારખાણીયા, જીતેશ કરસનભાઈ કુમારખાણીયા, કરસન હરજીભાઈ કુમારખાણીયા અને રઘુ નથુભાઈ કુમારખાણીયાએ લાકડી, તલવાર અને ધારીયા જેવા હથિયાર સાથે હિતેશભાઈ ખસીયાની વાડીએ ધસી જઈ હુમલો કરતા હિતેશભાઈ ખસીયા નાની બહેન પોતાના જીવને બચાવવા ત્યાંથી નાસી છુટ્યા હતા જ્યારે તેના પિતા સગ્રામભાઇ ખસીયા અને માતા વખતીબેન ખસીયા વૃદ્ધાવસ્થાને કારણે ભાગી નહીં શકતા આરોપીઓએ હથિયાર વડે કરેલા જીવલેણ હુમલામાં સગ્રામભાઇ ખસીયાનું જ્યારે માતા વખતીબેનને ગંભીર ઇજા થઇ હતી. પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસના ગુનામાં સાતેય આરોપીઓની ધરપકડ કરી. આ કેસ કોર્ટમાં ચાલી જતા જેમાં આરોપીના બચાવ પક્ષે રોકાયેલા એડવોકેટ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે મૃતક સગ્રામભાઇએ આરોપી રઘુ નાથાભાઈ અને નથુ હરજીભાઈ ઉપર પોતાની પાસે રહેલા તમંચામાંથી ફાયરિંગ કર્યું હતું અને જેથી આરોપીએ પોતાના સ્વબચાવમાં સગ્રામભાઈ ઉપર હુમલો કર્યો હતો આથી તેઓને નિર્દોષ છોડી મૂકવા રજૂઆત કરી હતી.
જ્યારે સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ સંજયભાઈ વોરાએ દલીલ કરી હતી કે, આરોપીએ મૃતક ઉપર જે હુમલો કર્યો છે તે હુમલો તેઓએ સ્વબચાવમાં કરેલ હોવાની વાત આખા કેસની ટ્રાયલ દરમિયાન ક્યારે કરેલ નથી અને ફક્ત દલીલના સ્ટેજે સ્વબચાવની રજૂઆત કરવામાં આવે છે. આરોપીઓ પોતાના સ્વબચાવમાં ખોટી હકીકતો ઉપજાવી કાઢતા હોવાનું સ્પષ્ટ થાય છે. આ ચાલુ કેસ દરમિયાન નથુ હરજીભાઈ કુમારખાણીયાનું અવસાન થતાં તેની સામેનો કેસ એબેટ ગણી બાકીના ભનુ જાદવભાઈ કુમારખાણીયા, રાઘવ ખીમજીભાઇ કુમારખાણીયા, રમેશ નથુભાઈ કુમારખાણીયા, જીતેશ કરશનભાઈ કુમારખાણીયા અને રઘુ નથુભાઈ કુમારખાણીયાને હત્યા અને ખુનની કોશિશના ગુનામાં તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા અને મૂળ ફરિયાદી વતી અંશભાઈ ભારદ્વાજ, અમૃતાબેન ભારદ્વાજ,દિલીપભાઈ પટેલ અને ધીરુભાઈભાઈ પીપળીયા રોકાયા હતા.
