ધક્કામુક્કી થતાં સબક લીધે: અટલ સરોવરે વધુ ૧૫ ટિકિટ કાઉન્ટર બનશે
ઓનલાઈન પેમેન્ટની સુવિધા પણ અપાશે
રાજકોટ માટે નવું નઝરાણું એવું અટલ સરોવર શરૂ થયાથી લઈ આજ સુધી ત્યાં ફરવા જનારા લોકોને સુખદની જગ્યાએ દુ:ખદ જ અનુભવ થઈ રહ્યા છે. સૌથી વધુ પીડા જો કોઈ થતી હોય તો તે ટિકિટ ખરીદી માટેની છે ! વેકેશનનો સમયગાળો ઉપરાંત સરકારી કચેરીઓમાં ત્રણ દિવસનું મિનિ વેકેશન હોવાથી અટલ સરોવર જોવા જનારાની સંખ્યામાં વધારો નિશ્ચિત છે ત્યારે ગત રવિવારે જે પ્રકારે ઘેટાં-બકરાં જેવી ધક્કામુક્કી થઈ હતી તેવી હવે ન થાય તે માટે મનપા દ્વારા વધુ ૧૫ ટિકિટ કાઉન્ટર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત લોકો સરળતાથી ટિકિટનું ચૂકવણું કરી શકે તે માટે ઓનલાઈન પેમેન્ટની સુવિધા પણ આપવામાં આવશે.
આ અંગે મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું કે અત્યાર સુધી અટલ સરોવર ખાતે ટિકિટ ખરીદી માટે પાંચ કાઉન્ટર હતા જેમાં ૧૫નો વધારો કરાયા બાદ હવે કાઉન્ટરની સંખ્યા ૨૦ થશે. કાઉન્ટરની સંખ્યા વધવાને કારણે લોકોએ ધક્કામુક્કીનો સામનો કરવો પડશે નહીં અને સરળતાથી ટિકિટ લઈને અંદર જઈ શકશે. આ ઉપરાંત ટૂંક સમયમાં જ અહીં ફેરિસ વ્હીલ સહિતની રાઈડસ શરૂ થવાની છે ત્યારે તેના માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે સાથે સાથે લેઝર શો સહિતના આકર્ષણ નિહાળવા માટે લોકો એક સાથે એકઠા ન થઈ જાય તે માટે મોબાઈલ બેઈઝ ટાઈમિંગની વ્યવસ્થા કરાશે મતલબ કે લોકો મોબાઈલમાં જ જોઈ શકશે કે આગલા શો માટે કેટલી રાહ જોવી પડશે.