છેલ્લી ઘડીએ લોકમેળામાં એસઓપીનો ઉલાળિયો
પ્રજા મરે તો ભલે મરે !
સિમેન્ટના ફાઉન્ડેશનના નિયમને કારણે અનેક વખત હરરાજી મોકૂફ રહ્યા બાદ ફાઉન્ડેશનનો જ છેદ ઉડ્યો
રાજકોટ : રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટના બાદ લોકમેળા જેવા આયોજનમાં રાઇડ્સ માટે આકરા નિયમો સાથેની એસઓપી અમલી બનાવવામાં આવી છે પરંતુ રાજકોટના લોકમેળામાં પ્રજા મરે તો ભલે ને મરે આપણે શું ?? જેવી નીતિ વચ્ચે છેલ્લી ઘડીએ રાઇડ્સ સંચાલકોએ રેષકોર્ષ મેદાનમાં પાકા ફાઉન્ડેશન વગર જ રાઇડ્સ ઉભી કરવા લાગતા ઉહાપોહ મચી ગયો છે. જો કે, ચાર ચાર વખત હરરાજી સમયે એસઓપીમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે તેવું જાહેર કરનાર તંત્ર પણ પાણીમાં બેસી ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને એસઓપી પાલનની જવાબદારી પોલીસ વિભાગની હોવાનું કહી તંત્ર જવાબદારી ખંખેરી રહ્યું છે.
રાજકોટ શહેરના રેષકોર્ષ મેદાનમાં આગામી તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાનાર લોકમેળા માટે રાજ્યસરકારે નક્કી કરેલી એસઓપીની ચુસ્ત અમલવારી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવતા રાજકોટના સ્થાનિક રાઇડ્સ સંચાલકોએ હરરાજીનો ચાર-ચાર વખત બહિષ્કાર કરતા અંતે રાજકોટના જ અન્ય એક ખાનગી મેળાના રાઇડ્સ સંચાલકે 1.27 કરોડમાં રાઈડર્સના તમામ 31 પ્લોટ ખરીદી લીધા હતા અને હરરાજી સમયે પણ તમામ એસઓપી નિયમની અમલવારી કરવા માટે ખાતરી આપવામાં આવી હતી.
બીજી તરફ હવે લોકમેળા આડે ત્રણથી ચાર દિવસનો સમય જ બાકી છે ત્યારે રેષકોર્ષ મેદાનમાં ફજત ફાળકા, ડ્રેગન રાઇડ્સ, ઝૂલા, મોતના કુંવા સહિતની યાંત્રિક આઇટમો ફિટ થવા લાગી છે અને જોખમી રાઇડ્સ માટે કોઈપણ જાતના ફાઉન્ડેશન ભર્યા વગર જ રાઇડ્સ ઉભી કરી લેવામાં આવતા એસઓપીના નિયમોનો સરાજાહેર ઉલાળિયો થઇ રહ્યાનું સામે આવ્યું છે, જો કે, અત્યાર સુધી એસઓપીની કડક અમલવારીની વાતો કરતું તંત્ર પણ હાલમાં પાણીમાં બેસી ગયું છે ત્યારે ગેમઝોન જેવી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ સહિતના અનેક સવાલો ઉઠી રહ્યા છે.
યાંત્રિક આઈટ્મનું ટેન્ડર ભરનારે બારોબાર મલાઈ તારવી પ્લોટ વેચી નાખ્યા
રાજકોટના લોકમેળામાં જબરો ખેલ પડી ગયો છે, યાંત્રિક આઇટમોની હરરાજીમાં 1.27 કરોડની બોલી લગાવી તમામ રાઈડર્સના પ્લોટ ખરીદનાર વિરેન્દ્રસિંહ ગોહિલ નામના આસામીએ તમામ પ્લોટ ખરીદી કર્યા બાદ અત્યાર સુધી રાઇડ્સ માટેના આકરા એસઓપી નિયમોનો વિરોધ કરનારા રાઇડ્સ સંચાલકોએ જ પેટા કોન્ટ્રાકટ રૂપે આ પ્લોટ ખરીદી કરીને નિયમોની ઐસીતૈસી કરી હાલમાં વગર ફાઉન્ડેશને ચકડોળ, ચકરડી લગાવવા માંડ્યા છે ત્યારે હવે તંત્ર કોન્ક્રીટ ફાઉન્ડેશન મામલે શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું.