નકલી દસ્તાવેજના સહારે ૫૫૦ કરોડનું જમીન કૌભાંડ !
એક વર્ષમાં સબ રજિસ્ટ્રાર કચેરીનો પૂર્વ ઓપરેટર અને કૌભાંડના માસ્ટર માઈન્ડ હર્ષ સોનીએ ઓપરેટર જયદીપ ઝાલા સાથે મળી ૧ કરોડથી લઈ ૧૬૦ કરોડ સુધીના ૧૭ બોગસ દસ્તાવેજ ઉભા કર્યા
હર્ષની કસ્તુરબા રોડ પર બિલખા પ્લાઝામાં આવેલી ઓફિસમાંથી પોલીસને ખોટા સ્ટેમ્પ, કલેક્ટરના નકલી સીક્કા, સ્ટેમ્પ બનાવવાનું મશીન સહિતનો જથ્થો મળી આવ્યો: પકડાયેલો જયદીપ ઝાલા ચાર દિ’ના રિમાન્ડ ઉપર લેવાયો
રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ બનાવી મહાકાય જમીન કૌભાંડ આચરવામાં આવી રહ્યાનો ધડાકો થતાં જ પ્ર.નગર પોલીસે સબ રજિસ્ટ્રારના કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરને દબોચી લઈ આગવી ઢબે પૂછપરછ કરતાં ત્રિપૂટીએ એક વર્ષની અંદર અંદાજે ૫૫૦ કરોડની કિંમતના ૧૭ બોગસ દસ્તાવેજો બનાવી નાખ્યા હોવાનો ભાંડાફોડ થયો હતો.
પ્ર.નગર પોલીસે જયદીપ ઝાલા કે જે સબ રજિસ્ટ્રાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર છે તેણે કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને ૨૦૧૮માં સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી છૂટા થઈ ગયેલા હર્ષ સાહેલિયા ઉર્ફે હર્ષ સોની સાથે મળીને શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી ૧ કરોડથી લઈ ૧૬૦ કરોડ સુધીની જમીનના ૧૭ બોગસ દસ્તાવેજો બનાવી નાખ્યા હતા.
પોલીસે હર્ષ સોનીની કસ્તુરબા રોડ પર બિલખા પ્લાઝામાં આવેલી ઓફિસમાં દરોડો પાડી તપાસ કરતાં ત્યાંથી ખોટા સ્ટેમ્પ, કલેક્ટરના નકલી સીક્કા, સ્ટેમ્પ બનાવવાનું મશીન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
દરમિયાન ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે આ કૌભાંડ એક વર્ષથી ચાલી રહ્યું હતું ત્યારે તેમાં કેટલા લોકોની સંડોવણી છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ હર્ષ સોની ફરાર થઈ ગયો હોય તેને પકડવા માટે અલગ-અલગ ટીમ બનાવી તપાસ કરવામાં આવી રહી છે. આ લોકો દ્વારા ખાસ કરીને જૂના સમયના દસ્તાવેજો કે જે હસ્તલિખિત રહેતા હતા તેમાં ચેડા કરતા હતા ઉપરાંત અમુક પાના બદલાવી નાખતા તો અમુક પાના ફાડી નાખીને કૌભાંડ આચરી રહ્યા હતા.
બીજી બાજુ પકડાયેલા જયદીપ ઝાલાને ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ કોર્ટે સોમવાર સુધીના જામીન મંજૂર કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.