ચેરમેન માટે લાખેણી’ કાર, જયનાથ હોસ્પિટલ પાછળ ફૂટ બ્રિજ: ૪૭ દરખાસ્તો પર નિર્ણય લેશે સ્ટે.કમિટી
વર્ગ-૨ના કર્મીઓને સાતમા પગાર પંચનો લાભ: સ્ટે.ચેરમેનની ગાડી ૨ લાખ કરતાં વધુ કિ.મી.ચાલી ગઈ હોવાથી બદલાવાશે: હાઈબ્રિડ કાર મેળવનારા પ્રથમ પદાધિકારી !
જયનાથ હોસ્પિટલ પાછળ શાકમાર્કેટ પાસે આવેલા વોંકળાથી વાણિયાવાડી શેરી નં.૬ને જોડતો ફૂટ બ્રિજ બનાવવા ૨૩ લાખનો ખર્ચ કરવા દરખાસ્ત
મહાપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે જેમાં ૪૭ દરખાસ્તો ઉપર નિર્ણય લેવામાં આવશે. આ દરખાસ્તોમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે
લાખેણી’ કાર ઉપરાંત વોર્ડ નં.૧૪માં જયનાથ હોસ્પિટલ પાછળ ફૂટ બ્રિજ, વર્ગ-૨ના કર્મીઓને સાતમા પગાર પંચનો લાભ સહિતનો સમાવેશ થાય છે.
સ્ટેન્ડિંગ ચેરમેન માટે ૨૫.૪૮ લાખ રૂપિયાના ખર્ચે નવી ઈનોવા `હાઈબ્રિડ’ કાર ખરીદવામાં આવશે. ચેરમેન માટે ૨૦૧૬માં કાર ખરીદવામાં આવી હતી જે ૨.૨૮ લાખ કિ.મી. કરતાં વધુ ચાલી ગઈ હોવાથી ઉપરાંત તેમાં અત્યાર સુધીમાં બે લાખથી વધુનો ખર્ચ થઈ ગયો હોવાને કારણે નવી કારની જરૂરિયાત ઉભી થઈ છે. હવે ચેરમેન માટે નવી કાર ખરીદાશે જે ૬૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી બેટરી પર ચાલશે અને ત્યારબાદ પેટ્રોલ પર ચાલશે. એકંદરે મહાપાલિકામાં આ પ્રકારની હાઈબ્રિડ કાર પહેલી વખત ચેરમેન માટે ખરીદ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દરખાસ્ત અંગે આજે કમિટી દ્વારા નિર્ણય લેવાશે.
આ ઉપરાંત વોર્ડ નં.૧૪માં ગીતામંદિર રોડ, જયનાથ હોસ્પિટલ પાછળ શાકમાર્કેટ પાસે આવેલા વોંકળાથી વાણિયાવાડી શેરી નં.૬ને જોડતો ફૂટબ્રિજ બનાવવામાં આવશે જેના પાછળ ૨૩ લાખથી વધુનો ખર્ચ થનાર હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ જ રીતે વર્ગ-૨ના કર્મીઓને સાતમા પગાર પંચનો લાભ આપવા માટેની દરખાસ્ત અંગે પણ નિર્ણય લેવામાં આવશે.
દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં ૪૭ દરખાસ્તો સામેલ છે જેમાંથી ૧૮ જેટલી દરખાસ્ત તબીબી સહાય ચૂકવણીની જ છે.