ક્ષત્રિય સમાજે રણનીતિ બદલી ! હવે ફરિયાદોનો મારો ચલાવ્યો
રેષકોર્ષ રિંગ રોડ સહીત શહેરભરમાં ભાજપે પ્રકાશકના નામ વગર લગાવાયેલા હોર્ડિંગ્સ, બેનર મામલે થોકબંધ ફરિયાદો કરતા રજાના દિવસે પણ તંત્ર દોડતું
રાજકોટ : ક્ષત્રિય સમાજ વિષે અશોભનીય ટિપ્પણી કરનાર રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજે રૂપાલા વિરુદ્ધ મોરચો માંડ્યો છે ત્યારે રૂપાલાએ ઉમેદવારી નોંધાવ્યા બાદ હવે ક્ષત્રિય સમાજે રણનીતિ બદલી હોય તેવા સંકેતો મળી રહ્યા છે, ક્ષત્રિય સમાજે બુધવારે જાહેર રજાનો દિવસ હોવા છતાં ઓનલાઇન અને કચેરીએ રૂબરૂ આવી ભાજપ દ્વારા રેષકોર્ષ રિંગ રોડથી લઈ શહેરભરમાં લગાવેલા હોર્ડિંગ્સ બોર્ડમાં ક્યાંય પણ પ્રકાશકના નામનો ઉલ્લેખ ન હોય આચારસંહિતા ભંગ મામલે ફરિયાદનો મારો ચલાવતા રામનવમીની રજા હોવા છતા તંત્ર દોડતું રહ્યું હતું.
રાજકોટના ક્ષત્રિય સમાજના અગ્રણી શૈલેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને અન્ય ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમા રાજકીય પક્ષ દ્વારા લગાવવામાં આવેલા પ્રચાર હોર્ડિંગ્સ બોર્ડમાં ક્યાંય પણ પ્રકાશકના નામનો ઉલ્લખ કરેલ ન હોવાથી લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 127 એ મુજબ આદર્શ આચારસંહિતાનો ભંગ થતો હોય ચૂંટણીપંચની સી-વિજિલ એપ્લિકેશન મારફતે ફરિયાદ રજીસ્ટર કરાવવાની સાથે ક્ષત્રિય આગેવાનોએ બુધવારે રામનવમીની જાહેર રજા હોવા છતાં જિલ્લા કલેકટર કચેરીએ ધામા નાખી લેખિત ફરિયાદ કરવાની સાથે ત્વરિત ફરિયાદનો નિકાલ થાય તેવી માંગણી સાથે અડિંગો જમાવતા ચૂંટણીતંત્ર તાબડતોબ દોડ્યું હતું અને ફટાફટ રેષકોર્ષ રિંગ રોડ સહિતના વિસ્તારમાંથી હોર્ડિંગ્સ હટાવવાની કાર્યવાહી કરી હતી.
બીજી તરફ ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના મહાકાય હોર્ડીંગ લાગે છે અને આ હોર્ડીંગમાં કોઇ જગ્યા એ પ્રકાશક નથી કે તેના નામ સરનામા નથી ! તો આ જાહેરાત કરનાર છે કોણ ? જેની ફરીયાદ ચુટણીપંચમાં કરતા ફરીયાદને સમર્થન આપવામાં આવેલ છે એટલે કે આચારસહિતાનો ખુલ્લો ભંગ થયેલ છે. પરંતુ વહીવટી તંત્ર આ હોર્ડીંગ ઉતારવા માટે ચુંટણી પંચ પાસે કર્મચારી અને તેની આનુસંગિક વ્યવસ્થા પણ ઉપલ્લબ નથી તેવું જણાવવામાં આવે છે. આ તકે ક્ષત્રીત સમાજે કહ્યું હતું કે, વહીવટી તંત્ર પાસે વ્યવસ્થા નથી પણ ભારતીય જનતા પાર્ટી પાસે તમામ પ્રકારની વ્યવસ્થા છે તો આ લોકશાહીમાં મહાન કોણ “પક્ષ” કે બંધારણ મુજબ “નાગરીક”. વિશ્વની સૌથી મોટી ચુંટણીના આ યજ્ઞમાં પારદર્શી ચુંટણી થાય તે માટે દેશનો દરેક નાગરીક આ આહુતીમાં જોડાઇ તેવુ આહવાન પણ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.
હોર્ડિંગ્સ હટાવવા અમારા પાસે સ્ટાફ નથી : સી-વિજિલમાં તંત્રનો જવાબ
રાજકોટમાં જુદી-જુદી જગ્યાએ ભાજપ દ્વારા પ્રકાશકના નામ અને સરનામાં વગરના હોર્ડિંગ્સ મારી દેતા આ મામલે ક્ષત્રિય સમાજના આગેવાનોએ ચૂંટણીપંચની સી-વિજિલ એપમાં ફરિયાદોનો ધોધ વહાવતા તંત્રએ પોતાની પાસે આવા હોર્ડિંગ્સ ઉતારવા માટે હાલમાં સ્ટાફ ઉપલબ્ધ ન હોવાનું અને રાજકોટ મહાનગર પાલિકા સ્ટાફ પ્રોવાઈડ કરે ત્યારે વહેલી તકે આ બેનર અને હૉર્ડિંગ્સ ઉતરાવી લેવામાં આવશે તેવું સ્વીકારતા ક્ષત્રિય સમાજે ચૂંટણીતંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.