સુરક્ષાને ધ્યાનમાં રાખી રસરંગ લોકમેળાને રૂ. 4 કરોડનું “સુરક્ષા કવચ”
રાજકોટમાં કાલથી 5 દિવસ લોકમેળાની મોજે-મોજ
શહેરમાં એક ડઝનથી પણ વધારે ખાનગી મેળાનું આયોજન: જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ: ૩૫૫ રમકડાના, ખાણીપીણી, આઈસ્ક્રીમ, નાની ચકરડી, રાઇડસના સ્ટોલ-પ્લોટ
ભારતભરમાં કૃષ્ણ જન્મ વધામણાં માટે ઉજવાતો જન્માષ્ટમીનો તહેવાર રંગીલા રાજકોટમાં પણ રંગે ચંગે ઉજવવામાં આવે છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની પ્રજા દર વર્ષે જન્માષ્ટમી પર્વના રાજકોટ ખાતેના લોકમેળાનો આનંદ માળવા ઉમટી પડે છે. કાલથી રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં પાંચ દિવસ મેળાની લોકો મોજ માણશે. આ વખતે લોકમેળાની સાથો સાથ એક ડઝનથી વધુ ખાનગી મેળાનું પણ રાજકોટમાં આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટના રેસકોર્સ ખાતે કાલથી શરૂ થતાં રસરંગ લોકમેળાની તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ લોકમેળના પ્રારંભે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવત જોવા મળશે. સાથો સાથ આ વખતે અવનવી રાઇડ્સ મેળાનું આકર્ષણ બનશે.
રંગીલા રાજકોટની આગવી ઓળખ એટલે પ્રતિવર્ષ રેષકોર્ષ મેદાનમાં યોજાતો લોકમેળો. ચાલુ વર્ષે તા. ૦૫ થી ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ એમ પાંચ દિવસ સુધી યોજાશે. આ મેળામાં ધંધો રોજગાર કરવા માટે ૩૫૫ સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા થઈ રહી છે. જે પૈકી રમકડાના ૧૭૮ સ્ટોલ, ખાણીપીણીના ૧૪ સ્ટોલ, મધ્યમ ચકરડીના ૦૪ પ્લોટ, નાની ચકરડીના ૪૮ પ્લોટ ડ્રો સિસ્ટમથી ફાળવવામાં આવશે. જયારે ખાણીપીણીના ૩૭ સ્ટોલ, યાંત્રિકના ૪૪ પ્લોટ, આઈસ્ક્રીમના ૧૬ પ્લોટ, ફૂટ કોર્ટના ૩ પ્લોટ, ૧ ટી કોર્નર પ્લોટ હરરાજીથી ફાળવવામાં આવશે. લોકમેળામાં લોકોના મનોરંજન માટે વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષક ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ૩ ડી.સી.પી., ૧૦ એ.સી.પી., ૨૮ પી.આઈ., ૮૧ પી.એસ.આઈ., ૧૦૬૭ પોલીસ, ૭૭ એસ.આર.પી. સહીત કુલ ૧૨૬૬ જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. આ ઉપરાંત ૧૦૦ ખાનગી સિક્યોરીટી ગાર્ડ ફરજ બજાવશે. જનતાની સુરક્ષા માટે ૧૮ વોચટાવર ઉપર સી.સી. ટીવી કેમેરાથી વોચ રખાશે. લોકોની સુરક્ષા માટે રસરંગ લોકમેળાનો રૂ. ૪ કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રભરના ગામડાઓમાંથી આવતી પ્રજાને જુદી જુદી ૧૭ જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકમેળામાં લોકોની સુરક્ષા માટે યાંત્રિક રાઇડ્સ ચકાસણી માટે દરરોજ ફિટનેસ સર્ટીફીકેટ મેળવ્યા બાદ જ રાઇડ્સ શરૂ કરવાની મંજુરીઆપવામાં આવી છે. લોકમેળામાં પાણી પુરવઠા, યાંત્રિક રાઇડ્સની ચકાસણી, ફાયર સર્વિસ, સફાઈ, આરોગ્ય, ફૂડ એન્ડ ડ્રગ્સ, કાયદો વ્યવસ્થા સહિતની જુદી-જુદી સમિતિઓ લોકમેળાના સુચારૂ આયોજન અને અમલીકરણની કામગીરી કરી રહી છે. ૧૩ જેટલી સંસ્થાઓને સમાજ ઉપયોગી માર્ગદર્શન માટે વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. મહિલાઓ તથા નાના કારીગરોને રોજગારી તથા માર્કેટિંગનું પ્લેટફોર્મ પૂરું પાડવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિલા આર્થીક વિકાસ નિગમ અને ઇન્ડેક્સ્ટ-સીને સ્ટોલ ફાળવાયા છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હસ્તકની લોકમેળા સમિતિ દ્વારા આયોજિત આ લોકમેળાની આવક રાજકોટ જિલ્લાના વિકાસકામો માટે ખર્ચવામાં આવશે તેમ કલેકટર પ્રભવ જોશી કહ્યું હતું.
સવારથી મોડી સાંજ સુધી યાંત્રિક રાઇડસની ચકાસણી
લોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર સજ્જ છે બીજી તરફ મેળા દરમિયાન દુર્ઘટના ન સર્જાય તેની જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ તકેદારી રાખવા વિવિધ કમિટીઓને સૂચના આપી છે. લોકમેળાના તમામ પ્રવેશ દ્વારા શણગારવામાં આવ્યા છે. સાથોસાથ રસરંગ મેળાના પ્રવેશ દ્વારા ઉપર સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેટલ ડિટેક્ટર યંત્ર ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ યાંત્રિક રાઇડસની ફિટનેશ સંબંધિત ચકસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાઈડ કમ્પ્લીટ થાય બાદ જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફિટનેશ સર્ટિ આપવામાં આવશે. ઉપરોક્ત કામગીરી મોડીરાત સુધી સાંજ સુધી ચાલુ રહી હતી.