દારૂ પી તરતા આવડે છે કે નહિ તે જાણવા નદીમાં ઝપલાવ્યું,એકનું મોત
કણકોટ નજીક બનેલો બનાવ, ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો
રાજકોટમાં દારૂના નશામાં કાલાવડ રોડ પર કણકોટ નજીક પૂલ પાસે બે દારૂડિયાએ નશો કરી તરતા આવડે છે કે નહીં તે જોવા માટે બન્નેએ પાણીમાં ઝંપલાવ્યું હતું. જેમાંથી એક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેનું ડૂબી જવાથી મોત થયું હતું. બનાવની ણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતકનું નામ વિનોદ માવજી રાઠોડ (ઉવ40)હોવાનું ખૂલ્યું હતું. બનાવની જાણ થતાં પીએસઆઈ સોમૈયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
કાલાવડ રોડ પર કણકોટ ગામ નજીક રામનાથ પુલ પાસે આજે બપોરના સમયે 3 યુવકો દારૂ પીતા હતા. આ દરમિયાન દારૂના નશામાં ધૂત બે યુવકો તરતા આવડે છે કે નહીં, તેમ કહીને રામનાથ પુલ પરથી આજી નદીના પાણીમાં ઝંપલાવ્યું હતુ. થોડીવાર બાદ એક યુવક બહાર આવી ગયો હતો, પરંતુ અન્ય યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ બાબતની જાણ થતાં સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બે કલાકની ભારે જહેમત બાદ ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બીજી તરફ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
