શનિવારે જે.પી.નડ્ડા રાજકોટમાં: ૩ કિ.મી.ની તીરંગા યાત્રા કાઢશે
કોંગ્રેસની ન્યાય યાત્રા સામે તીરંગા યાત્રા કરી તોડ' કાઢતો ભાજપ
બહુમાળી ચોકથી શરૂ થઈ હેડ ક્વાર્ટર ખાતે યાત્રા પૂર્ણ કરવા તૈયારીઓ: તંત્ર સાથે બેઠકનો ધમધમાટ: મુખ્યમંત્રી હાજર રહે તેવી શક્યતા
કોંગ્રેસની ન્યાય યાત્રા ૯મીએ મોરબીથી શરૂ થઈ રહી છે જે ૧૧એ રાજકોટ પહોંચશે
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ ભાજપ બેકફૂટ અને કોંગ્રેસ ફ્રન્ટફૂટ પર આવી ગઈ હોય તેવી રીતે એકબીજાનો
વારો’ કાઢવાની એક પણ તક જતી કરવામાં આવી રહી નથી. કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જ ૯ ઑગસ્ટે મોરબીથી ન્યાય યાત્રા શરૂ થનાર હોવાની અને ૧૧મીએ આ યાત્રા રાજકોટ પહોંચશે તેવી જાહેરાત કરાયા બાદ હવે ભાજપે કોંગ્રેસની યાત્રાનો `તોડ’ કાઢી લીધો હોય તેવી રીતે ૧૦મીએ રાજકોટમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાની આગેવાનીમાં ૩ કિલોમીટરની તીરંગા યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું કે ૧૦ તારીખે સવારે ૧૦ વાગ્યાથી રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાના વડપણ હેઠળ તીરંગા યાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. અત્યારે આ અંગેનો રૂટ નક્કી કરવામાં આવ્યો નથી પરંતુ મોટાભાગે આ યાત્રા બહુમાળી ચોકથી શરૂ થઈ રિંગરોડ ફરતે ફરીને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પૂર્ણ થાય તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. એકંદરે આ યાત્રા ૩ કિલોમીટરની રહેશે તેવો અંદાજ છે. જો કે આ અંગેની ફાઈનલ તૈયારી માટે આજે તંત્ર સાથે બેઠક કરવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર રૂટ સહિતનું નક્કી કરી જાહેરાત કરવામાં આવશે.
જે.પી.નડ્ડા રાજકોટ આવી રહ્યા હોવાથી ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી બાજુ આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.