મવડીમાં જ્વેલર્સે ગેરકાયદે સીડી ખડકી દીધી: આખો શો-રૂમ સીલ
રૈયા રોડ પર શાંતિનિકેતન પાર્કમાં બગીચાના પ્લોટમાં કમ્પાઉન્ડ વોલના દબાણ પર બૂલડોઝર ફેરવાયું
ટીઆરપી અગ્નિકાંડની કળ હજુ ટાઉન પ્લાનિંગ શાખાને વળી ન હોય તેમ છેલ્લા ઘણા મહિનાઓથી ડિમોલિશનને બ્રેક લાગી જતાં શહેરમાં ઠેર-ઠેર ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો હતો. જો કે ફરીથી કામગીરી રાબેતા મુજબ થવા લાગી હોય તેવી રીતે બૂલડોઝરે ધણધણાટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામોને સીલ મારવાનું શરૂ કરાયું છે જેમાં જ્વેલર્સ સહિતના શો-રૂમ ઝપટે ચડ્યા હતા. મવડી મેઈન રોડ પર શ્રી હરિ કોમ્પલેક્સના પહેલાં માળે આવેલા તિરુપતિ બાલાજી જ્વેલર્સ (ચાંદી હુંડી)ના સંજય પારેખે ગેરકાયદે સીડી બનાવી લેતાં તેને દૂર કરવા માટે નોટિસ અપાઈ હતી પરંતુ કશી જ કાર્યવાહી ન કરાતા આખરે શો-રૂમને સીલ મારી દેવાયું હતું.
આ ઉપરાંત મવડી મેઈન રોડ પર ઉદયનગર-૨, શેરી નં.૩ના ખૂણે અશોક લાઠિયાના શિવમ ટેઈલરને પણ સીલ મારી દેવાયું હતું. અશોક લાઠિયા દ્વારા પહેલો માળ ગેરકાયદેસર રીતે ચણી લેવામાં આવ્યો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જ્યારે ૧૫૦ ફૂટ રિંગરોડ પર રામાપીર ચોક પાસે લાભદીપ સોસાયટીમાં માર્જિનની જગ્યામાં દબાણ કરી લેવામાં આવતાં મિલકતને સીલ લગાવાયું હતું. જ્યારે રૈયા રોડ પર આલાપ ગ્રીનસિટીની બાજુમાં મહાપાલિકાના બગીચા હેતુનો ૧૨૦૦ ચોરસમીટરનો પ્લોટ કે જેની કિંમત ૭.૨૦ કરોડ રૂપિયા થાય છે ત્યાં ચોથી વખત કમ્પાઉન્ડ વોલ ચણી લેવામાં આવતાં ફરી તેનું ડિમોલિશન કરાયું હતું.