રાજકોટમાં જન્માષ્ટમીએ લોકમેળા સાથે ટ્રાફિકના રાસડા
સાંઢિયા પુલ બંધ થતા તમામ ટ્રાફિકનું ભારણ 150 ફૂટ રિંગ રોડ અને રૈયારોડ ઉપર
ચાર જિલ્લામાંથી આવતી એસટી બસ સહિતના વાહનો માટે રૈયારોડ, રેષકોર્ષ રોડ, જિલ્લા પંચાયત ચોક બનશે માથાનો દુખાવો
રાજકોટ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન જામનગર રોડનો સાંઢિયા પુલ બંધ હોવાથી હાલમાં તમામ વાહનોને રૂટ ડાયવર્ટ કરી પોપટપરા અને 150 ફૂટ રિંગ ઉપરથી પસાર કરવામાં આવી રહ્યા છે ત્યારે 24 ઓગસ્ટથી લોકમેળાના પ્રારંભ સાથે રાજકોટમાં ટ્રાફિકજામના દાંડિયારાસ માટે લોકોને તૈયાર રહેવું પડશે. ખાસ કરીને ચાર જિલ્લામાંથી આવતી એસટી બસ સહિતના વાહનો હાલમાં મુખ્યત્વે 150 ફૂટ રિંગરોડ ઉપરથી જ પસાર થાતાં હોય સામાન્ય દિવસોમાં પણ શહેરમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે ત્યારે લોકમેળાના પાંચ દિવસ દરમિયાન ટ્રાફિક સમસ્યા વકરવાના એંધાણ મળી રહ્યા છે.
રાજકોટના જામનગર રોડ ઉપરનો સૈકા જૂનો સાંઢિયા પુલ નવો બનાવવાની કામગીરીને લઈને રસ્તો બ્લોક કરી ભોમેશ્વરમાંથી માત્ર ટુ -વ્હીલર વાહનોને જ પસાર થવા દેવામાં આવે છે અને રીક્ષા તેમજ ફોર વ્હીલર વાહનોને વાયા પોપટપરા રેલવે અંડરપાસથી હોસ્પિટલ ચોક તરફ પ્રવેશવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે લોકમેળાને કારણે રાજકોટના આજુબાજુના જિલ્લામાંથી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી અસંખ્ય સહેલાણીઓ રાજકોટમાં આવતા હોય ટ્રાફિકમાં અંધાધૂંધી સર્જાવાની શક્યતા જોવાઈ રહી છે.
ખાસ કરીને વર્તમાન પરિસ્થિતિ જોતા જામનગર, દ્વારકા, મોરબી અને કચ્છથી આવતી તમામ એસટી બસ અને ખાનગી વાહનો જામનગર રોડ ઉપર જવાને બદલે 150 ફૂટ રિંગ રોડથી જ શહેરમાં પ્રવેશતા હોય શહેરના શીતલપાર્ક, નાણાવટી ચોક, રૈયા ચોકડી, રૈયા રોડ, કિશાનપરા ચોક અને રેષકોર્ષ ચોકમાં સામાન્ય દિવસોમાં પણ ભંયકર ટ્રાફિક જામ સર્જાય છે અને શનિ-રવિ કે તહેવારના દિવસોમાં તેમજ સાંજના સમયે ઉપરોક્ત રૂટ ઉપર વાહનોના થપ્પા લાગતા હોવાથી શહેરમાં ટ્રાફિક સમસ્યામાં વધારો થયો છે ત્યારે જન્માષ્ટમી લોકમેળાના પાંચ દિવસ દરમિયાન રૈયારોડ, કિશનપરા ચોક અને રેષકોર્ષ ચોકમાંથી પસાર થવું મુશ્કેલ બને તેમ હોવાનું લોકો જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ અને હાથરસ ભાગદોડ જેવી દુર્ઘટનાને ધ્યાને લઈ જિલ્લા કલેકટર દ્વારા અગાઉ રેષકોર્ષમાં યોજાતા લોકમેળામાં આ વર્ષે સાંઢિયા પુલ બંધ થવાથી ટ્રાફિક સમસ્યા જોતા અન્ય સલામત અને ખુલ્લા સ્થળે ખસેડવા સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી. પરંતુ એન્જીનીયરીંગ કોલેજ કણકોટ અને અટલ સરોવર ન્યુ રેષકોર્ષની જગ્યાઓ સમતળ ન હોવાથી લોકમેળાનું સ્થળાંતર કરવાની યોજનનનું બાળમરણ થયું હતું. આ સંજોગોમાં આ વર્ષે રેષકોર્ષ ખાતે જ લોકમેળો યોજાનાર હોય લોકોને ટ્રાફિકજામના રાસડા લેવા માટે તૈયાર રહેવું પડશે.
લોકમેળામાં આવતા સહેલાણીઓ માટે પાર્કિંગ પ્રશ્ન પણ માથાના દુખાવા સમાન
રાજકોટના રેષકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાતા લોકમેળામાં દરરોજ લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવતા હોવા છતાં લોકમેળા સમિતિ દ્વારા મેળામાં આવતા સહેલાણીઓ માટે કોઈપણ જગ્યાએ વાહન પાર્કિંગની સુવિધા અત્યાર સુધીમાં કરવામાં આવી નથી અને આ વર્ષે પણ સહેલાણીઓ માટે પાર્કિંગની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી રેષકોર્ષ ગ્રાઉન્ડ સામેના વિસ્તારમાં રહેતા લોકોને હોમ કોરેન્ટાઇન જેવી સ્થિતિનો સામનો કરવો પડશે સાથે જ મેળાની માજા માનવ આવતા લોકોને બબ્બે ત્રણ-ત્રણ કિલોમીટરની પદયાત્રા પણ કરવી જ પડશે.
રૂટ ડાઇવર્ટ કરી ટ્રાફિક સમસ્યા નીવરાશે : ટ્રાફિક એસીપી ગઢવી
રાજકોટમાં તા.24થી 28 ઓગસ્ટ દરમિયાન રેષકોર્ષ મેદાનમાં યોજાનાર લોકમેળાને પગલે ખાસ કરીને રૈયા રોડ, રેષકોર્ષ ચોક અને કિશાનપરા ચોકમાં ભયંકર ટ્રાફિક સમસ્યા સર્જાય તેવી સ્થિતિ નિર્માણ થાય તેવી શક્યતા જોતા પોલીસ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે, રાજકોટ ટ્રાફિક બ્રાન્ચના એસીપી જે.બી.ગઢવીએ જણાવ્યું હતું કે, દર વર્ષે લોકમેળાને અનુસંધાને જાહેરનામું પ્રસિદ્ધ કરી અલાયદી વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે આ વખતે જામનગર રોડનો પુલ બંધ હોય લોકમેળાનો ટ્રાફિક જોતા કિશાનપરા ચોક અને રેષકોર્ષ ચોકમાં ટ્રાફિકનું ભારણ રોકવા માટે આરટીઓ, કલેકટર તંત્ર સાથે ટૂંક સમયમાં જ બેઠક યોજી એક્શન પ્લાન બનાવવાં આવશે સાથે જ ટ્રાફિક નિવારવા રૂટ ડાયવર્ટ કરીને પણ પાંચ દિવસ દરમિયાન ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પગલાં લેવામાં આવશે.