જાગો લેઉવા પટેલ’ પત્રિકા તૈયાર કરનારની ધરપકડ
વાવડીમાં ગ્રાફિક ડિઝાઈનરની ઓફિસના લેપટોપમાં પત્રિકા બનાવાઈ હતી: કોના ઈશારે છપાઈ તેને શોધવા પોલીસની દોડધામ
ડોર ટુ ડોર પત્રિકા વહેંચનાર ચાર પૈકીના બેને વાવડીમાં કારખાનું હોય તેણે જ દુકાન પસંદ કરી'તી: મુળ સુધી પહોંચવા ક્રાઈમ બ્રાન્ચ, તાલુકા પોલીસ સહિતની ટીમો કામે લાગી
રાજકોટ લોકસભા બેઠક ઉપર મતદાનના પાંચ દિવસ પહેલાં જ
જાગો લેઉવા પટેલ જાગો’નું લખાણ લખેલી પત્રિકા વાયરલ થતાં ચકચાર મચી જવા પામી હતી. બીજી બાજુ આ પત્રિકા લેઉવા-કડવા જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના ઈરાદા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ તેમજ ડોર ટુ ડોર વહેંચવામાં આવી હોવાના આક્ષેપ સાથે શહેર ભાજપ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરી આવું કૃત્ય કરનારને તાત્કાલિક પકડી પાડી કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી.
પોલીસ કમિશનરને રજૂઆત થતાંની સાથે જ ક્રાઈમ બ્રાન્ચ, તાલુકા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ પત્રિકા વહેંચનાર ચાર લોકો કેતન તાળા, પ્રકાશ વેજપરા, વિપુલ તારપરા અને દીપ ભંડેરીની ધરપકડ કરી લીધી હતી. બીજી બાજુ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતાં આ ચારેયે તો માત્ર સોશ્યલ મીડિયા તેમજ ડોર ટુ ડોર મતલબ કે ૧૫૦ ફૂટ રોડ પરની સોસાયટીઓમાં વિતરણ કર્યું હતું. જો કે આ પત્રિકા તૈયાર ક્યાં થઈ, કોણે કરી આપી તે સહિતના મુદ્દે તપાસ કરતાં આ પત્રિકા વાવડીમાં આવેલી ગ્રાફિક ડિઝાઈનરની ઓફિસના લેપટોપમાં તૈયાર થઈ હોવાનું ખુલતાં પોલીસે પત્રિકાની ડિઝાઈન તૈયાર કરનાર ચિરાગ ઢોલરીયાની ધરપકડ કરી લીધી હતી.
જો કે અત્રે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આ પત્રિકા કોના ઈશારે છાપવામાં આવી તેનું મુળ શોધવા પોલીસમાં દોડધામ મચી જવા પામી છે. જાણવા મળ્યા પ્રમાણે ડોર ટુ ડોર પત્રિકા વહેંચનાર તેમજ વિતરણ કરનાર ચાર શખ્સો પૈકી બેને વાવડીમાં જ કારખાનું આવેલું હોય તેઓ જ ચિરાગ ઢોલરીયાના સંપર્કમાં આવ્યા હતા અને તેની ઓફિસના લેપટોપમાં જ પત્રિકા તૈયાર કરવાનું નક્કી કર્યું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે કેતન, પ્રકાશ, વિપુલ અને દીપ સીધી રીતે અથવા તો આડકતરી રીતે કોંગ્રેસ સાથે સંકળાયેલા હોય ભાજપને નુકસાન પહોંચાડવા માટે જ આ પત્રિકા તૈયાર કરાવીને વેચી હતી પરંતુ તેમના પાછળ કોઈનો દોરીસંચાર છે કે નહીં તે બાબતે અત્યારે ક્રાઈમ બ્રાન્ચ, તાલુકા પોલીસ મથક સહિતનો સ્ટાફ તપાસ કરી રહ્યો છે.