હોમપીચ ઉપર રમવાની તક મળી છે જે ગૌરવની વાત : કુલપતિ ડો.ઉત્પલ જોશી
શિક્ષણ અને સંશોધનને પ્રાધાન્ય, વિદ્યાર્થીઓ લક્ષી કાર્ય કરાશે : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૮મા કુલપતિ તરીકે ચાર્જ સંભાળતા પ્રોફે. ડૉ. ઉત્પલભાઈ જોશી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૮મા કુલપતિ તરીકે શુક્રવારે પ્રોફે. ડૉ. ઉત્પલભાઈ જોશીએ કાર્યભાર સાંભળ્યો હતો, આ તકે તેઓએ જણાવ્યું હતું કે, જે જગ્યાએ સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી થયો એ જ જગ્યાએ એટલે કે હોમપીચ ઉપર કાર્ય કરવાની તક મળી છે તે મારા માટે ખુબ જ ગર્વની વાતની છે. કુલપતિ તરીકે તેઓએ ચાર્જ સંભાળતા જ તેઓના પુરોગામી એવા ઇન્ચાર્જ કુલપતિનો આભાર વ્યક્ત કર્યો હતો અને શિક્ષણ અને સંશોધનને પ્રાધાન્ય, વિદ્યાર્થીઓ લક્ષી કાર્ય કરવામાં આવશે તેમ જણાવી મીડિયાને પણ નેગેટિવિટી છોડી પોઝિટિવ એપ્રોચ રાખવા માર્મિક ટકોર કરી હતી.
રાજ્યના શિક્ષણ વિભાગે ગુરુવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે ગુજરાત યુનિવર્સિટીના ફિઝિક્સ વિભાગના પ્રોફેસર ડો.ઉત્પલભાઈ જોશીની નિમણુંક કરતા શુક્રવારે તેઓએ સૌપ્રથમ માતા સરસ્વતીજીનું પુજન કરી પ્રથમ કુલગુરુ ડો. ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સર્વધર્મ પ્રાર્થના કરી વિધિવત રીતે 18માં કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો. રાજયના શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કુલપતિ પ્રોફે. ડૉ. ઉત્પલભાઈ જોશી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તકે નવનિયુક્ત કુલપતિ ડો.જોશીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાએ અગ્રેસર લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એક સમયે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી જેવા વિષયોમાં દેશભરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોલબાલા હતી તેવી જ બોલબાલા આગામી સમયમાં થશે અને શિક્ષણ અને સંશોધનને પ્રાધાન્ય આપી વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને કાર્ય કરવાની પ્રાથમિકતા રહેશે અને રાજ્ય સરકારે મને જે જવાબદારી સોંપેલ છે અને મારા પર જે વિશ્વાસ મુકેલ છે એ નિષ્ઠાપૂર્વક પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 18મા કુલપતિ તરીકે પ્રોફે. ડૉ. ઉત્પલભાઈ જોશીએ પદ ગ્રહણ કરતા સમયે ઇન્ચાર્જ કુલપતિ ડૉ. કમલસિંહ ડોડીયા, કુલસચિવ ડો. રમેશભાઈ પરમાર, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, એક્ઝીક્યુટીવ કાઉન્સીલના સભ્યો, એકેડેમિક કાઉન્સીલના સભ્યો, વિવિધ ભવનના અધ્યક્ષ, યુનિવર્સિટીના અધિકારીઓ, પરીક્ષા નિયામક તેમજ વિવિધ કર્મચારીઓ હાજર રહ્યા હતા.