પરવાનેદારોની વ્યાજબી માંગ હશે તો જ સ્વીકારાશે: પુરવઠા મંત્રી
રાજકોટમાં સસ્તા અનાજના વેપારીઓની હડતાલના પગલે દુકાનો સજ્જડ બંધ રહી
દિવાળીના તહેવારોમાં ગરીબ કાર્ડ ધારકોને કોઈ મુશ્કેલી પડવા નહિ દેવાય: જરૂર પડ્યે વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે: બાવળિયા
રાજકોટ સહિત રાજ્યની સસ્તા અનાજની દુકાનો બુધવારે સજ્જડ બંધ રહી હતી. પરવાનેદારો દ્વારા નવેમ્બર મહિનાનો અનાજનો જથ્થો વિતરણ કરવાને બદલે વેપારીઓ હડતાલ પર જતાં રહ્યા હતા. સસ્તા અનાજના વેપારીઓને રૂ.20 હજારના કમિશનના મુદ્દે તેમજ અનાજમાં આવતી ઘટ બાબતે ધ્યાનમાં રાખી બીજા તબક્કાની હડતાલનું શસ્ત્ર ઉગામયું છે. જો કે પુરવઠા મંત્રી કુવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, પરવાનેદારોની વ્યાજબી માંગણી હશે તો જ સ્વીકારાશે. આમ છતાં જરૂર પડ્યે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાનું પણ તૈયાર છે.
દરમિયાન પુરવઠા મંત્રી બાવળિયાએ ઉમેર્યું હતું કે, દિવાળીના તહેવારોમાં કાર્ડ ધારકોને મુશ્કેલી પડવા નહિ દેવાય. દરેક દુકાનો પર અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ઓકટોબર મહિનામાં રાબેતા મુજબ અનાજનું વિતરણ થયું છે. નવેમ્બર મહિનામાં આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના સસ્તા અનાજના વેપારીઓને રૂ.20 હજારના કમિશનના મુદ્દે અત્યાર સુધીમાં રૂ.3.53 કરોડથી વધુની રકમ ચૂકવી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ સિવાય પણ પ્રજાના હિતમાં સસ્તા અનાજની દુકાનદારોના પ્રશ્નના યોગ્ય ઉકેલ માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. વેપારીઓની વ્યાજબી માંગણી હશે તો તેને સાંભળી યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે.