રાજકોટ જિલ્લાની 60 જેટલી સહકારી મંડળીઓને IT ની નોટિસ, 2 થી 8 કરોડની ડિમાન્ડ: ભારે ઉહાપોહ
બેડલા,જિઆણા,રાણપુર,ખોરાણા,થોરાળા સહિત 4 ડઝન જેટલી દૂધ અને સહકારી મંડળીના રોકડ વ્યવહાર ઝપટે,148 હેઠળ કેસ રી ઓપન સાથે કરોડો રૂપિયાનું એકતરફી એસેસમેન્ટ કરી નાખતાં સહકારીક્ષેત્રે ભૂકંપ:એકસામટે મંડળીઓ અપીલ સુધી પહોંચી
ઇન્કમટેક્સની ઝપટે હવે રાજકોટ જિલ્લાની એક સાથે 60 જેટલી દૂધ અને સહકારી મંડળીઓ આવી જતાં સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લાના બેડલા, જિયાણા, રાણપુર,ખોરાણા, થોરાળા સહિત આશરે 60 જેટલી મંડળીઓને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારી રૂપિયા 2 થી લઇ 8 કરોડ સુધીની ડિમાન્ડ કરતાં મંડળીના હોદેદારોમાં ઉહાપોહ મચી ગયો છે, ગ્રામ્ય વિસ્તારની આ મંડળીઓમાં ખેડૂતોએ જમા કરાવેલી રોકડને લઈ આઈ.ટી.એ ગાળિયો કસ્યો છે.
એક સાથે 4 ડઝન જેટલી સહકારી મંડળીઓને નોટિસ મળી હોવાથી મંડળીના સભ્યોએ આ નોટિસનો જવાબ આપવા માટે દોડધામ કરી છે. સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર, એસેસમેન્ટ વર્ષ 2016 થી લઈ 2020 સુધીના સમય ગાળામાં રાજકોટ જિલ્લાની 60 જેટલી સહકારી અને દૂધ મંડળીઓમાં ખાતેદારોએ જમા કરાવેલી રોકડને પગલે 148 હેઠળ રી ઓપન નોટિસ આપી છે. નોટિસ ફટકાર્યા બાદ આવકવેરા વિભાગે મંડળીઓ દ્વારા જવાબ ન મળતા એક તરફી એસએસમેન્ટ કરીને મંડળીઓ પાસેથી રૂપિયા 2 કરોડ થી લઈ 8 કરોડની ડિમાન્ડ ઉભી કરતા મંડળીઓમાં ભૂકંપ સર્જાયો છે.
સહકારી ક્ષેત્રમાં હલચલ મચાવી દેનાર આ આઈટીની નોટિસના પગલે સમગ્ર મામલો રાજકીય આગેવાનો સુધી પહોંચ્યો હતો, જેને પગલે કદાવર રાજકીય નેતા આવકવેરા વિભાગના ચીફ કમિશનરને મળવા દોડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ રાજકીય ભલામણ બાદ ઇન્કમટેક્સ વિભાગે માનવતાનો અભિગમ દાખવી ને અપીલમાં 20 ટકા રકમ ભરવાના બદલે ડિમાન્ડના એક ટકા રકમ ભરીને આ સહકારી મંડળીઓ અપીલમાં જઈ શકશે અને પ્રથમ અપીલ ચાલે ત્યાં સુધી સ્ટે આપવામાં આવ્યો છે.
રોકડ રંજાડ કરી,ખેડૂતોએ લીધેલું ધીરાણ પરત ‘કેશ’માં કર્યું
રાજકોટ પંથકની 60 જેટલી મંડળીઓની આવકવેરા વિભાગની નોટિસ બાદ આ કે મંડળીના સભ્યોએ એક ટકા લેખે રકમ ભરીને અપીલના દરવાજા ખટખટાવ્યા છે, આ અંગે જાણીતા ટેક્સ એડવોકેટ એ જણાવ્યું હતું કે, સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને ખેતી માટે લોન આપવામાં આવે છે. જે ખેડૂતોએ પાક માટે ધિરાણ લીધું હોય ત્યારબાદ ખેડૂતોનો પાક વેચાય અને જે રકમ મળે છે તે અલગ અલગ હપ્તામાં તેઓ રોકડમાં રકમ જમા કરતા હોય છે. જે મંડળીઓને નોટિસ મળી છે તેમાં મુખ્યત્વે આવકવેરાની નજરે મંડળીઓમાં થયેલી રોકડ રકમ નજરે ચડી છે.
1 % લેખે પણ સહકારી મંડળીઓએ 60 કરોડ અપીલમાં ભરી દીધાં
રાજકોટના સહકારી ક્ષેત્રમાં આઈ.ટી.ની નોટીસથી ભારે ગરમાવો આવી ગયો હતો. મંડળીના સભ્યો દ્વારા રાજકીય મહાનુભાવને આ અંગેની જાણ કરવામાં આવી હતી ત્યારબાદ તેમને મધ્યસ્થી બનીને જે કમિશનર સુધી સમગ્ર વાત પહોંચાડી હતી, આથી ચીફ કમિશનર દ્વારા આ સહકારી મંડળીઓને ડિમાન્ડની રકમ ભરવામાં રાહત આપી છે જેમાં 20% રકમના બદલે એક ટકા ભરીને અપીલમાં જવા માટેની મંજૂરી આપી હોવાથી આ તમામ 60 મંડળીઓ અપીલમાં ગઈ છે અને જેમાં એક ટકા લેખે 60 મંડળી દ્વારા 60 કરોડ રૂપિયા ભરવામાં આવ્યા છે.