અટલ સરોવર પાસે થયેલી લૂંટને અંજામ ત્યાં જ કામ કરતાં મજૂરોએ આપ્યાની આશંકા
લૂંટ થઈ તે વિસ્તારમાં મોટાપાયે ક્નસ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હોય ત્યાં મજૂરી કરતી કોઈ ગેંગ તરફ શંકાની સોય: અલગ-અલગ ટીમો કામે લાગી
રાજકોટના નવા ૧૫૦ ફૂટ રોડ પર અટલ સરોવર પાસે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઑફિસમાં નોકરી કરતાં મહિલાને માર મારી સોનાના ચેનની લૂંટ ચલાવવાના બનાવમાં હજુ સુધી કોઈ કડી મળી નથી. બીજી બાજુ પોલીસ દ્વારા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ લૂંટને અંજામ અટલ સરોવર આસપાસ કામ કરતાં મજૂરોએ જ આપ્યો હોઈ શકે છે. જ્યાં આ બનાવ બન્યો તે વિસ્તારમાં મોટાપાયે ક્નસ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હોય ત્યાં જ મજૂરીકામ કરતી કોઈ ટોળકી દ્વારા આ કારસ્તાની કરાઈ હોઈ શકે છે. અહીં મધ્યપ્રદેશના જાંબવા, ધાર સહિતના જિલ્લાઓના લોકો મજૂરીકામ કરતા હોય તેમાંથી કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.
આ બનાવ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે નવા રેસકોર્સ પાછળ સનરાઈઝ પાર્કમાં રહેતા જાનવીબેન અક્ષયભાઈ સાંગાણીએ યુનિ. પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઑફિસમાં નોકરી કરતા હોય જે પૂર્ણ કરીને સાંજે સાતેક વાગ્યાના અરસામાં ઘેર જઈ રહ્યા હતા ત્યારે રોયલ રિટ્રીટ હોટષલની સામે આવેલી શિવશક્તિ ચા-પાનની કેબિન પાછળથી પસાર થતાં કાચા રસ્તા પર તેમને આંતરીને ચાર જેટલા શખ્સો જેમાંથી બે શખ્સોએ લુંગી પહેરેલી હતી તો બેએ ફાટેલા પેન્ટ અને ટી-શર્ટ પહેર્યા હતા તેમણે મોઢા ઉપર, ગાલ ઉપર અને કાન પાસે ઢીકાપાટુનો માર મારી ૮૨૦૦૦ની કિંમતનો સોનાનો ચેન-ટાઈટનની ઘડિયાળ લૂંટીને નાસી ગયા હતા.
આ ઘટના બન્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી, યુનિ. પોલીસ મથક સહિતના સ્ટાફે અલગ-અલગ ટીમો બનાવી લૂંટારુઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જો કે હજુ સુધી આરોપીઓના કોઈ સગડ મળ્યા ન હોવાનું જાણવા મળી રહ્યું છે.