આજથી ઢોર રખડતું દેખાશે તો ખેર નથી !
હાઈકોર્ટની `ટકોર’ બાદ મહાપાલિકામાં મેયર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, રેલવે, આરટીઓના અધિકારીઓ ઉપરાંત દરેક શાખાધિકારી વચ્ચે ચાર કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠક
અલગ-અલગ વિસ્તારમાં ઢોર પકડવા જનારી ૬ ટીમ સાથે પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે: રસ્તાઓ પર આડેધડ ખડકાઈ ગયેલી રેંકડી-ગલ્લાઓ જપ્ત કરાશે: કોઈની શેહ-શરમ રાખ્યા વગર કાર્યવાહી કરવા આદેશ
મહાપાલિકાએ ઢોર પકડવા ગયા બાદ માલિકોનો હુમલો, નંબર વગરના વાહનોથી થઈ રહેલો પીછો, ઘેરાવ સહિતની સમસ્યા વ્યક્ત કરી તો પોલીસે કહ્યું, જોઈએ એટલો બંદોબસ્ત આપશું; કોઈ હાકલા-પડકારા કરશે તો તુરંત કરાશે કાર્યવાહી
ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં ઢોરની હડફેટે થઈ રહેલા મોત, દરરોજ કોઈને કોઈ શહેર-જિલ્લામાં ઢોરની ઢીકથી લોકોના ઘાયલ થવા સહિતની સમસ્યા મુદ્દે સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં સરકાર દ્વારા દરેક મહાપાલિકા-નગરપાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓને ઢોર તેમજ દબાણો હટાવવા મુદ્દે આદેશ આપતાં જ બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. દરમિયાન રાજકોટ મહાપાલિકામાં ઉઘડતી કચેરીએ જ મેયર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, આરટીઓ-રેલવે અધિકારી તેમજ મનપાના દરેક શાખાધિકારી વચ્ચે ચાર કલાક સુધી મેરેથોન બેઠક મળ્યા બાદ આજથી જ શહેરમાં રખડતાં ઢોરને જપ્ત કરવા માટે ડ્રાઈવ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્યાર સુધી મહાપાલિકાની ઢોરપકડ પાર્ટી કોઈ વિસ્તારમાં ઢોર પકડવા માટે જાય એટલે તેની સાથે વિજિલન્સ બંદોબસ્ત તૈનાત રહેતો હતો. જો કે ઢોર પકડતી વખતે માથાકૂટ ન થઈ હોય તેવું ક્યારેય બન્યું નથી સાથે સાથે તાજેતરમાં તો ગાંધીગ્રામ વિસ્તારમાં ઢોરપકડ પાર્ટીને રીતસરનો માર મારીને કપડાં ફાડી નાખવામાં આવ્યાની ઘટના બનતાં જ મહાપાલિકા દ્વારા બેઠકમાં હાજર પોલીસ કમિશનર સમક્ષ પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવાની માંગ કરી હતી જેનો તુરંત જ સ્વીકાર કરતાં ઢોરપકડ પાર્ટીની તમામ છ ટીમને બંદોબસ્ત આપવાની બાહેંધરી આપવામાં આવી હતી. એકંદરે આજથી ઢોરપકડ પાર્ટી પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવા માટે જશે એટલા માટે જો કોઈ માથાકૂટ કરે તો તેની સામે સ્થળ ઉપર જ કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડ્યે ગુનો પણ નોંધાશે. એકંદરે ઢોર પકડવા મામલે હવે કોઈ જ પ્રકારની શેહ-શરમ રાખ્યા વગર સ્ટાફને તૂટી પડવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
બેઠકમાં ઢોરપકડ પાર્ટી દ્વારા એવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી કે ઢોર પકડવાનું શરૂ કરાય કે તુરંત જ માલિકો દ્વારા હુમલો, નંબરપ્લેટ વગરના બાઈકથી પીછો, સ્ટાફને ઘેરાવ સહિતના પડકારો આવતા હોય છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે બંદોબસ્તની જરૂર પડે છે. આ પછી પોલીસ દ્વારા જોઈએ તેટલો બંદોબસ્ત ફાળવવાની અને કોઈ હાકલા-પડકારા કરે તો તેને ભોંભીતર કરી દેવાની ખાતરી પણ અપાઈ હતી.
આ ઉપરાંત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આડેધડ ખડકાઈ ગયેલા રેંકડી-કેબીનો-ગલ્લાઓના દબાણોને તાત્કાલિક હટાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. એકંદરે આ બેઠક બપોરે ૧૨:૩૦ વાગ્યાથી શરૂ થઈને ૪ વાગ્યા સુધી ચાલી હતી જેમાં તમામ અધિકારીઓ-પદાધિકારીઓ હાજર રહ્યા હતા.