સરકારનું તુઘલખી ફરમાન: બધા જ ઓળખકાર્ડમાં નામ-સ્પેલિંગ સરખા નહીં હોય તો અમાન્ય
આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ તેમ જ અન્ય ઓળખકાર્ડમાં એક સરખા નામ રાખવા આદેશ
સ્પેલિંગની ભૂલ પણ ન હોવી જોઇએ: ભૂલ સરકારની અને ભોગવશે પ્રજા
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક તુઘલખી ફરમાન જાહેર કર્યું છે અને તેમાં પ્રજાને તેમના તમામ ઓળખકાર્ડમાં નામ અને સ્પેલિગ સહિતના એક સરખા જ હોવા જોઈએ તેમ જણાવી જો સરખા નહી હોય તો આવા ડોક્યુમેન્ટ અમાન્ય ગણાશે તેવી ચીમકી આપવામાં આવી છે.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગના સંયુક્ત સચિવ તેજસ સોનીની સહીથી બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જાણવું છે કે દેશના દરેક નાગરિકે પોતાના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ, ડ્રાઈવિગ લાયસન્સ તેમ જ અન્ય ઓળખકાર્ડમાં પોતાના નામ, પિતાનું નામ, માતાનું નામ, જન્મ તારીખ અને સ્પેલિગ સરખા રાખવા જરૂરી છે. તમામ ઓળખકાર્ડમાં એક સમાન નામ, એક સમાન સ્પેલિગ અને એક સમાન જોડણી હોવી જરૂરી છે તેવા ઉલ્લેખ સાથે આ પરિપત્રમાં એવો આદેશ પણ કરાયો છે કે, દરેક નાગરિક પોતાની પ્રાથમિક ફરજ સમજીને સુધારા કરાવી લેવાના રહેશે.
વધુમાં એમ પણ જણાવ્યું છે કે, જો કોઈ પણ ઓળખપત્રમાં એક સમાન નામ ગુજરાતી તથા અંગ્રેજીમાં તેમે જ જોડણી તેમ જ સ્પેલિગમાં ભૂલો હશે તો કોઈ પણ ડોક્યુમેન્ટ માન્ય ગણવામાં આવશે નહી. એટલું જ નહી તે સરકારી કચેરીમાં અમલી ગણાશે નહી. સરકારના આ આદેશનું ચુસ્તપણે પાલન કરવાની સુચના પણ આપવામાં આવી છે. આ પરિપત્રની નકલ રાજ્યભરની તમામ સરકારી કચેરીમાં આપવામાં આવી છે.
હવે પ્રશ્ન એ થાય છે કે, નાની -મોટી ભૂલો તો અસંખ્ય ઓળખકાર્ડમાં છે અને જયારે ઓળખકાર્ડ હાથમાં આવે ત્યારે ભૂલ દેખાય અને સરકારી કચેરીમાં ધ્યાન દોરીએ તો એવું કહેવામાં આવે છે કે, હવે સુધારો નહી થાય. સુધારા કરાવવા માટે નવું ફોર્મ ભરવું પડે છે અને સરકારી કચેરીએ ધક્કા થાય છે. આધાર કેન્દ્રોમાં સુધારા કરાવવાના ૧૦૦ રૂપિયા ફી ભરવી પડે છે અને જો પ્રાઈવેટમાં સુધારા કરાવવા માટે જઈએ તો પણ વધુ ખર્ચો થાય છે. પાનકાર્ડ અને પાસપોર્ટમાં ભાગ્યે જ ભૂલ આવે છે તેથી તેમાં બહુ સમસ્યા થતી નથી પણ બાકીના સરકારી ઓળખકાર્ડમાં મસમોટી ભૂલ આવે છે તેનો ઇનકાર થઇ શકે તેમ નથી.