રાજકોટ મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબો સ્ટાઇપેન્ડથી વંચિત
સિવિલ હોસ્પિટલમાં હાજરીના પ્રશ્નને લઇ સ્ટાઇપન્ડ ટલ્લે ચડતા તબીબી છાત્રોમાં દેકારો
રાજકોટ : રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજના તબીબી છાત્રોને ચુકવવામાં આવતા સ્ટાઇપન્ડમાં હાજરીના પ્રશ્નને લઈ છેલ્લા બે મહિનાથી ચુકવણા થવામાં વિલંબ થવાની સાથે આડેધડ સ્ટાઇપન્ડ કાપી લેવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. જો કે, રાજકોટ મેડિકલ કોલેજના સૂત્રોએ ટૂંક સમયમાં જ તમામ ઇન્ટર્ન તબીબી છાત્રોને સ્ટાઇપન્ડ ચૂકવાઈ જશે તેમ જણાવ્યું હતું.
રાજકોટની રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા તબીબી છાત્રો એવા ઇન્ટર્ન તબીબોને દર મહિને 37 હજાર સ્ટાઇપન્ડ ચુકવવામાં આવે છે. હાલમાં મેડિકલ કોલેજના આવા 1800 જેટલા ઇન્ટર્ન તબીબી છાત્રોને સ્ટાઇપન્ડ ચુકવવામાં પ્રશ્ન સર્જાયો હોવાનું અને તેઓની હાજરી નિયમિત આવતી ન હોવાથી સ્ટાઇપન્ડ ચુકવવામાં વિલંબ થઇ રહ્યો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ મેડિકલ કોલેજના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, આગામી મહિનાથી હાજરીનો પ્રશ્ન ઉકેલાઈ જવાથી તા.1થી 5માં સ્ટાઇપન્ડ ચૂકવાઈ જશે.
મેડિકલ કોલેજ -સિવિલ સ્ટાફનો પગાર 20મી બાદ
રાજ્ય સરકારના બજેટને કારણે ચાલુ મહિનામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ ઉપરાંત મેડિકલ કોલેજના સ્ટાફનો પગાર વિલંબિત બન્યો હોવાનું જાણવા મળે છે. સિવિલ હોસ્પિટલના અધિકારીક સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ ઉપરાંત અમદાવાદ અને સુરતની મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલમાં પગારના ચુકવણા થયા નથી.સંભવત આગામી તા.20મી બાદ પગારના ચુકવણા કરવામાં આવે તેવી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.