રાજકોટની આજી નદીના કિનારે આવેલા શિવ મંદિરની રસપ્રદ આધ્યાત્મિક કહાની
જાણો શિવ આરાધક મહિલાએ કઈ રીતે સંસાર ત્યજી દીધો હતો
શહેરના ખત્રીવાડ, ભીચરી નાકામા આવેલું છે 700 વર્ષ પ્રાચીન “શ્રી સ્વયંભૂ રાજ રાજેશ્વર મહાદેવ” મંદિર: મંદિરમાં શ્રદ્ધા સાથે આવતા ભક્તો અને દીકરીઓની પૂર્ણ થાય છે મનોકામના
રાજકોટમાં ભગવાન ભોળાનાથ અનેક પ્રાચીન મંદિર આવેલા છે કે જ્યાં શહેરીજનો દરરોજ પોતાની આસ્થા સાથે દર્શન-પૂજન કરવા જાય છે. કેટલાક મંદિર 50 વર્ષ તો કેટલાક મંદિર 100 વર્ષથી પણ જૂના હોવાનું મનાય છે ત્યારે આજે રાજકોટના ખત્રીવાડમા આવેલા શિવજીના એક એવા મંદિર વિષે વાત કરવી છે કે જે મંદિર 700 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે જેનું નામ છે “શ્રી સ્વયંભૂ રાજ રાજેશ્વર મહાદેવ”.
રાજકોટમાં આજી નદીના કિનારે ભગવાન શિવજીનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે, આ મંદિર 700 વર્ષ પ્રાચીન છે. શહેરના ખત્રીવાડ, ભીચરી નાકા, સોની બજાર પાસે આવેલા શ્રી રાજ રાજેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. અહી એક ચારણ કન્યાએ શિવજીની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે. આ વિસ્તારમાં ખૂબ પ્રસિદ્ધ આ મંદિરમાં દરરોજ લોકો શિવજીને જળાભિષેક કરવા માટે આવે છે.
આ રાજ રાજેશ્વર મંદિરમાં બળવંતગિરિ ગોસાઇ અને તેમના પત્ની વંદનાબેન 10મી પેઢીએ શિવજીની પૂજા-સેવા કરે છે. મંદિરના ઇતિહાસ અંગે વંદનાબેન ગોસાઇએ જણાવ્યું હતું કે, લોકવાયકા પ્રમાણે અને અમારા વડવાઓના કહેવાય મુજબ, રાજબાઈ નામના ચારણના એક દિકરી 5 વર્ષની ઉંમરથી જ શિવ ભક્તિ કરતાં હતા. તે સમયે નાની ઉંમરમાં જ એમના લગ્ન થઈ ગયા હતા. જ્યારે તેઓ 18 વર્ષના થયા ત્યારે રાજબાઈના સસરા તેમને લેવા માટે આવ્યા હતા. પરંતુ રાજબાઈને સંસાર માંડવો ન હતો. બાદમાં તેમના પિતાએ સમજાવતા રાજબાઈ તેમના સસરા સાથે જવા તૈયાર થયા. તે સમયે રાજબાઈના પિતાએ કહ્યું કે, મારી દીકરી શિવભક્ત છે અને તેઓ શિવજીની પુજા કરીને જ અન્ન ગ્રહણ કરે છે માટે સવારે રસ્તામાં મંદિરે ગાડું ઉભુ રાખજો જેથી રાજબાઈ શિવજીની પૂજા કરી શકે.
જ્યારે રાજબાઈ ગાડામાં બેસીને નીકળ્યા ત્યારે વહેલી સવારે આજી નદી પાસે પહોંચ્યા હતા. ત્યારે એમના સસરાએ રાજબાઈને શિવજીની પૂજા કરીને સિરામણ કરી લેવા કહ્યું. પરંતુ આજુબાજુમાં ક્યાંય મંદિર ન દેખાતા રાજબાઈએ રેતીનું શિવલિંગ બનાવ્યું અને પૂજા-સેવા કરવા લાગ્યા. પૂજા-સેવા કરતાં થોડો વધારે સમય લાગતાં એમના સસરા ગુસ્સે થયા અને અને કટાક્ષમાં કહ્યું કે, હવે પૂજા થઈ ગઈ હોય તો ચાલો. રાજબાઈ ગાડામાં બેસ્યા અને ગુસ્સામાં જ એમના સસરાએ પરીક્ષા લેવા શિવલિંગ પરથી ગાડું ચલાવ્યું.
ગાડાનું પૈડું શિવલિંગ પરથી પસાર થતાં લોહીની ધારા વહેવા લાગી. આ જોઈને રાજબાઈ ગાડામાંથી નીચે ઉતર્યા અને રેતીનું શિવલિંગ ફરી ભેગું કર્યું. આ સમયે શિવલિંગ સ્વયંભૂ ત્યાં સ્થાપિત થઈ ગયું. બાદમાં રાજબાઈ આ જ જગ્યાએ રોકાઈ ગયા અને સંસારનો ત્યાગ કરીને શિવભક્તિમાં આખું જીવન સમર્પિત કર્યું. સમય જતાં અહી મંદિર પણ બનાવ્યું. જેનો સમયાંતરે જીણોદ્ધાર થતો રહ્યો. આજે પણ આ મંદિરમાં સ્થાપિત શિવલિંગ પર ગાડાના પૈડાનું નિશાન જોવા મળે છે. રાજબાઈએ આખું જીવન શિવ ભક્તિ કરી. આ મંદિરમાં રાજબાઈની સમાધિ પણ આવેલી છે. રાજબાઈના નામથી જ આ મંદિરનું નામ “શ્રી સ્વયંભૂ રાજ રાજેશ્વર મહાદેવ” રાખવામાં આવ્યું હતું.
મંદિર સ્થાપિત છે નાગા સાધુઓએ પૂજા કરેલી મહાકાળીની માતાજીની સિંદુરવાળી મૂર્તિ
વર્ષો પહેલા જ્યારે રાજકોટની વસ્તી ઓછી હતી અને રાજકોટ એક ટીંબો ગણાતો હતો. તે સમયે નાગા સાધુ, ફક્કડ સાધુઓની જમાત નીકળતી હતી. તેઓ દેશભરમાં પરિભ્રમણ કરતાં હતા. આવી જ એક જમાત વર્ષો પહેલા રાજકોટ આવી હતી. તે સમયે નાગા સાધુ આજી નદી કિનારે મહાકાળી માતાજીની મૂર્તિને સિંદુર લગાવી પૂજા કરી હતી. બાદમાં જ્યારે સાધુની જમાત રાજકોટથી નીકળી ત્યારે આ મંદિરમાં મહાકાળી માતાજીની મૂર્તિ સ્થાપિત કરીને ગયા હતા. જે મૂર્તિ આજે પણ મંદિરમાં છે.
મંદિરમાં આવતી મહિલાઓ-દીકરીઓની પૂર્ણ થાય છે મનોકામના
કેટલાક મંદિરોમાં મહિલાઓને ગર્ભ ગૃહમાં પ્રવેશ હોતો નથી પરંતુ આ મંદિર રાજબાઈએ એટલે કે એક દીકરીએ બનાવ્યું હોય અહી મહિલાઓ પણ ગર્ભ ગૃહમાં જઈને ભોળાનાથની પૂજા-સેવા કરી શકે છે. જ્યારે અહી પોતાની સાચી શ્રદ્ધા અને આસ્થા સાથે આવતી મહિલાઓ-દીકરીઓની મનોકામના પણ પૂર્ણ થતી હોવાનું માનવામાં આવે છે. મંદિરના પૂજારી વંદનાબેનએ જણાવ્યું હતું કે, અહી મહિલાઓની મનોકામના પૂર્ણ થાય છે જેનું ઉદાહરણ હું પોતે જ છુ. મે શિવજીને કરેલી પ્રાર્થના ફળી છે અને મારે ત્યાં 20 વર્ષે બાળકનો જન્મ થયો છે. આ ઉપરાંત અનેક દાખલાઓ છે કે અહી મનોમન શિવજીને પ્રાર્થના કરવાથી અને માથું ટેકાવવાથી લોકોની માનતા પૂર્ણ થઈ હોય.