મુંબઈ થી રાજકોટ એરપોર્ટમાં ઉતરેલા ‘દારૂડિયા’ને પોલીસને સોંપવાને બદલે બંધ ચેમ્બરમાં’સેટિંગ’
14 નવેમ્બરે મુંબઈની ફ્લાઈટમાં એક પેસેન્જર ચિક્કાર નશાની હાલતમાં હતો,સુરક્ષા ટીમના એક કર્મચારીએ વહીવટ કરી જવા દીધો,એરપોર્ટમાં ભારે ગણગણાટ
મુંબઈની ફ્લાઈટમાં રાજકોટ આવેલો પેસેન્જર દારૂના નશામાં ચિક્કાર હોવા છતાં તેને પોલીસને સોંપવાને બદલે સુરક્ષા ટીમના એક કર્મચારીએ બંધ બારણે ‘સેટિંગ’કરી લીધો હોવાની વાતો સામે આવી છે.
હીરાસર એરપોર્ટમાં બંધ ચેમ્બરમાં બની રહેલી ઘટનાઓ ચર્ચાઓમાં આવી રહી છે, ગત તારીખ 14ના રોજ ઈન્ડિગોની ફ્લાઈટમાં મુંબઈથી કલ્પેશ નામનો પેસેન્જર રાજકોટ આવ્યો હતો જ્યારે ફલાઇટ લેન્ડ થઈ ત્યારે બધા જ પેસેન્જર ઉતરી ગયા હતા પરંતુ ડમડમ હાલતમાં મુંબઈથી આવેલો કલ્પેશ નામનો શખ્સ ફ્લાઈટમાંથી ઉતરતો ન હતો,ફલાઈટના ક્રુ મેમ્બર અને સ્ટાફે ભારે મથામણ કર્યા બાદ પણ આ યુવાન નશાની હાલતમાં હોવાથી જીદે ચડ્યો હતો અને ઉતરતો ન હતો.
આખરે સુરક્ષા એજન્સીના કર્મચારીઓની મદદ લેવામાં આવી હતી, આ કર્મચારીએ પેસેન્જરને લઈ જઈ એક એરલાઇનની ચેમ્બરમાં બેસાડ્યો હતો અને તેનો નશો ઉતારી તેને પોલીસને સોંપવાના બદલે વહીવટ કરી બારોબાર રવાના કરી દીધો હોવાની એરપોર્ટમાં જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે.
હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં અલગ અલગ સેટિંગ કરવાની ઘટનાઓ ચમકતી રહે છે,બારોબારના વહીવટએ માઝા મૂકી હોય તેમ ક્યારેક સેટિંગમાં વધુ લગેજને ઘુસાડી દેવો તો ઓળખીતાઓને ખાસ મહેમાનગતિ આપવામાં આવે છે જેની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
સુરક્ષા જવાન એ આ દારૂડીયાને પોલીસને ન સોપ્યો અને શા માટે બારોબાર જવા દીધો? આ ઘટના એરપોર્ટમાં સત્તાવાર લીધે નોંધાઈ નથી અને આ બાબતે સત્તાવાર રીતે જણાવ્યું નથી તો શું ઓથોરિટી અને સુરક્ષા એજન્સી ઘટનાના મૂળ સુધી પહોંચશે ? કે આ વહીવટમાં સંકળાયેલા કર્મચારીઓ સામે પગલાં લેશે કે કેમ? તે તો આવનારો સમય કહેશે.
