રાજકોટમાં માર્ચના અંતથી સ્માર્ટ પ્રિપેઇડ મીટર લગાવવાની શરૂઆત
અનેક તારીખો જાહેર કરાયા બાદ હવે
ટેસ્ટિંગ પ્રક્રિયા અંતિમ તબક્કામાં: થોડા દિવસોમાં લોન્ચ કરાશે એપ્લિકેશન
રાજકોટમાં પીજીવીસીએલ દ્વારા માર્ચ મહિનાના અંતમાં સ્માર્ટ પ્રિપેઇડ મીટર લગાવવાનું શરૂ કરી દેવામાં આવશે. આ માટે આગામી દિવસોમાં એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે. હવે તમામ તૈયારીઓ પૂર્ણતાને આરે છે. સૌ પ્રથમ મહિલા કોલેજ સબ ડિવિઝન હેઠળના વિસ્તારો નિર્મલા રોડ, સ્વામિનારાયણ નગર સહિતના વિસ્તારોમાં સ્માર્ટ પ્રિપેઇડ મીટર લગાવવામાં આવશે. આ માટે છેલ્લા એક માસથી ટેસ્ટિંગ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી હતી.
નવી નવી ટેકનોલીજી આવતા અનેક પરિવર્તનો આવ્યા છે અને હવે આવું જ એક પરિવર્તન વીજ ક્ષેત્રમાં આવવા જઇ રહ્યું છે. હવે ગ્રાહકો જરૂરિયાત મુજબ વીજળીનો ઉપયોગ કરી શકશે. એટલે કે હવે સ્માર્ટ પ્રિપેઇડ મીટર મીટર લોકોના ઘરોમાં લગાવવામાં આવશે. જેના દ્વારા લોકો મોબાઇલની જેમ રિચાર્જ કરીને વીજળીનો ઉપયોગ કરી શકશે. ઘણા લાંબા સમયથી સ્માર્ટ-પ્રીપેડ વીજ મીટર લગાવવાની ચર્ચાઓ થઈ રહી હતી.
પીજીવીસીએલના ગ્રાહકોને સારી સુવિધા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રિવેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ અંતર્ગત સ્માર્ટ પ્રિપેઇડ વીજ મીટર લગાવવાની અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. પહેલા વર્ષ 2023ના જૂન-જુલાઈમાં સ્માર્ટ પ્રિપેઇડ મીટર લગાવવામાં આવશે તેવું જાણવા મળતું હતું ત્યાર બાદ પીજીવીસીએલ દ્વારા ડિસેમ્બર માસના અંતમાં ગ્રાહકોના ઘરોમાં સ્માર્ટ પ્રિપેઇડ મીટર લાગી જશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી સ્માર્ટ પ્રિપેઇડ મીટર લાગ્યા નથી. જો કે પીજીવીસીએલના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે માર્ચ મહિનાના અંતમાં સ્માર્ટ પ્રિપેઇડ મીટર લગાવવાનું શરૂ થશે. સ્માર્ટ પ્રિપેઇડ મીટરમાં આવતી ટેકનિકલ ખામીઓ અંગેની ટેસ્ટિંગ પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં છે. મહત્વનું છે કે, પ્રિપેઇડ સ્માર્ટ મીટરમાં મીટરમાં ગ્રાહકોએ મીટર લગાવવા માટેનો ચાર્જ ભરવાનો નહી રહે. જે ચાર્જ વીજ કંપની જ ઉઠાવશે.
રાજકોટમાં પ્રથમ મહિલા કોલેજ સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારો જેવા કે, નિર્મલા રોડ, સ્વામિનારાયણ મંદિર વિસ્તાર, કાલાવડ રોડ વિસ્તાર, કિશાનપરા વિસ્તાર સહિતમાં સ્માર્ટ પ્રિપેઇડ મીટર લગાવવામાં આવશે. આ માટે તમામ તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. હાલમાં સ્માર્ટ પ્રિપેઇડ મીટર લગાવ્યા બાદ કેવા પ્રશ્નો ઊભા થઈ શકે છે? રિચાર્જ પૂરું થયા બાદ જ્યારે ગ્રાહક રિચાર્જ કરાવે તેના કેટલામાં વીજ પુરવઠો શરૂ થાય છે? વગેરે જેવી બાબતોને લઈને કામગીરી કરવામાં આવી છે. આ માટે પીજીવીસીએલની લેબમાં જ સ્માર્ટ પ્રિપેઇડ મીટર લગાવવામાં આવ્યું છે.
પીજીવીસીએલ લોન્ચ કરશે ટૂંક સમયમાં એપ્લિકેશન
ગ્રાહકો પોતાનું બિલ પોતાના મોબાઇલમાં જોઈ શકશે. આ માટે પીજીવીસીએલ ટૂંક સમયમાં જ એક એપ્લિકેશન લોન્ચ કરવા જઇ રહી છે. આ એપ્લિકેશનના માધ્યમથી ગ્રાહકો દરરોજ કેટલો વીજ વપરાશ કરી રહ્યા છે તે ગ્રાહક પોતે ચકાશી શકશે. ઉપરાંત ગ્રાહક એપ્લિકેશન દ્વારા દરરોજ કેટલા યુનિટ વપરાયા, કેટલા રૂપિયા થયા, ક્યારે રિચાર્જ કરાવવાનું છે? વગેરે જેવી માહિતી મેળવી શકશે. ગ્રાહકોને સ્માર્ટ-પ્રીપેડ વીજ મીટરમાં જ્યારે રિચાર્જ એટલે કે બેલેન્સ લો થશે ત્યારે એપ્લિકેશન દ્વારા ગ્રાહકને એલર્ટ પણ આવશે.
રાત્રીના સમયે રિચાર્જ પૂરું થશે તો પણ ચાલુ રહેશે વીજ પુરવઠો
વીજ ગ્રાહકોને પ્રશ્ન થશે કે જો રાત્રિના સમયે રિચાર્જ પૂરું થઈ જશે તો વીજ પુરવઠો બંધ થઈ જશે? પરંતુ એવું નથી. હેપ્પી અવર્સ અંતર્ગત જો કોઈ ગ્રાહકનું રિચાર્જ રાત્રિના સમયે પૂરું થઈ જતું હશે તો તે માટે ગ્રાહકોને ચોક્કસ નિયત સમય આપવામાં આવશે. જેમાં ગ્રાહક રિચાર્જ કરાવી શકશે. ઉપરાંત તહેવારોના દિવસોમાં પણ ગ્રાહકોને આ સુવિધા આપવામાં આવશે. જ્યારે રિચાર્જ પૂરું થયા બાદ જેટલો વીજ વપરાશ કર્યો હશે તેટલી રકમ રિચાર્જ કરાવ્યા બાદ કપાઈ જશે.
પીજીવીસીએલને શું ફાયદો થશે?
સ્માર્ટ પ્રિપેઇડ મીટરથી પીજીવીસીએલના કર્મચારીઓને ગ્રાહકોના ઘરે-ઘરે જઈને રીડિંગ લેવા જવું પડશે નહિ. જ્યારે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એવો વીજચોરી અટકાવવાનો હોય સ્માર્ટ મીટર લાગી ગયા બાદ વીજચોરી કરનારાઓને સહેલાઈથી પકડી શકાશે. કારણ કે, પ્રિપેઇડ વીજ મીટર લગાવ્યા બાદ મીટરદીઠ વીજળીના ડેટા મળશે. જેના આધારે વીજચોરી કરનારાઓને સરળતાથી પકડી શકાશે.
