ભારત બેકરીના એલચી રસમાં `ખતરનાક’ બીમારી આપતી ભેળસેળ ખૂલી
- સિન્થેટિક ફૂડ કલર સહિતની ભેળસેળ હોવાનો લેબોરેટરી પરિક્ષણમાં ધડાકો: જ્યાંથી લોકો કિલોમોઢે એલચી રસ ખરીદીને સવાર-સાંજ ચા સાથે ખાય છે તેવી વાનગીમાં ભેળસેળ નીકળતાં ગભરાટ
ભીલવાસમાં ઈગલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલી ભારત બેકરી કે જ્યાંથી દરરોજ મોટી સંખ્યામાં લોકો બ્રેડ, કેક, એલચી રસ સહિતની વાનગીઓ પેકેટ અને કિલોમોઢે ખરીદી રહ્યા છે ત્યાંથી થોડા સમય પહેલાં જ મહાપાલિકાની ફૂડ શાખાએ સ્પેશ્યલ એલચી રસનું સેમ્પલ લઈને તેને પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જે પ્રમાણે એલચી રસમાં `ખતરનાક’ બીમારી આપતી ભેળસેળ કરવામાં આવી હોવાનું ખુલતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
હવે ભારત બેકરી સામે મહાપાલિકા કાયદેસરની કાર્યવાહી કરશે. અંદાજે બે મહિના પહેલાં ભારત બેકરીમાંથી હિતેશ દયાળજીભાઈ બુદ્ધદેવ પાસેથી સ્પે.એલચી રસ (૨૫૦ ગ્રામ પેક્ડ)નો નમૂનો લેવામાં આવ્યો હતો જેમાં સેકરીન તેમજ સિન્થેટિક ફૂડ કલર ટાર્ટ્રાઝીન અને સનસેટ યેલો એફસીએફની હાજરી મળી આવી છે જેના કારણે આ નમૂનો ફેઈલ જાહેર કરવામાં આવ્યો છે. હવે તંત્ર દ્વારા બેકરી સામે એજ્યુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
દરમિયાન આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વાકાણીએ જણાવ્યું કે આ પ્રકારની ભેળસેળ કરેલી વાનગી ખાવાને કારણે મોઢામાં ચાંદા, આંતરડામાં ચાંદા તેમજ લાંબા ગાળે કેન્સર સહિતની બીમારીઓ થાય છે.
સંતકબીર રોડ પર બે જગ્યાએ ચા-ભૂક્કીના નમૂના લેવામાં આવ્યા
ફૂડ શાખા દ્વારા શહેરના સંતકબીર રોડ પર સરદાર સ્કૂલ પાસે આવેલી શ્રી ચામુંડા ટી-સ્ટોલમાંથી ચાની ભૂક્કી (લુઝ) તેમજ તૈયાર ચા ઉપરાંત અહીં જ કબીર કોમ્પલેક્સમાં આવેલા શક્તિ ટી-સ્ટોલમાંથી ચાની ભૂક્કી (લૂઝ) ઉપરાંત સદર બજાર મેઈન રોડ પર બેકર્સ પોઈન્ટમાંથી બ્લેક ફોરેસ્ટ કેક (લૂઝ)ના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પેડક રોડ વિસ્તારમાં ૨૧ ધંધાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
હજુ બે વખત સેમ્પલ લેવાશે, બન્ને ફેઈલ જશે તો લાયસન્સ થશે કેન્સલ
મહાપાલિકાના આરોગ્ય ડૉ.જયેશ વાકાણીએ કહ્યું કે પહેલી વખત લેવાયેલું એલચી રસનું સેમ્પલ પરિક્ષણમાં ફેઈલ ગયું છે એટલા માટે હજુ બીજી વખત એ જ વાનગીનું સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવશે જેનો રિપોર્ટ આવ્યા બાદ ત્રીજી વખત સેમ્પલ લેવાશે અને જો આ બન્ને નમૂના ફેઈલ થશે તો પછી બેકરીનું લાયસન્સ રદ્દ કરવામાં આવશે. એકંદરે પ્રથમ રિપોર્ટ ફેઈલ જતાં એલચી રસના જથ્થાનો નાશ કરી દેવામાં આવ્યો છે.