આવતાં સોમવારે ભારત-ઑસ્ટે્રલિયા ટીમનું રાજકોટમાં આગમન: મંગળવારે કરશે પ્રેક્ટિસ
આવતાં સપ્તાહે રાજકોટમાં છવાશે ક્રિકેટ ફિવર
સોમવારે બપોરે ૨:૩૦ વાગ્યે ઈન્દોરથી ચાર્ટડ પ્લેનમાં નવા એરપોર્ટ ઉપર કરશે ઉતરાણ: બુધવારે ૧:૩૦ વાગ્યાથી શરૂ થશે મુકાબલો, ૧૧:૩૦થી દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટરસિકો જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા છે તે ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે વન-ડે મુકાબલા આડે હવે નવ દિવસનો સમય બાકી રહ્યો છે. આવતાં બુધવારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર બન્ને બળુકી ટીમ વચ્ચે ટક્કર જોવા મળશે. એકંદરે આવતાં સપ્તાહથી રાજકોટમાં અનોખો ક્રિકેટફિવર છવાઈ જશે કેમ કે આ દિવસે જ બન્ને ટીમોનું શહેરમાં આગમન થશે અને ત્યારપછીના દિવસે એટલે કે મંગળવારે બન્ને ટીમો નેટમાં પરસેવો પાડશે.
ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણી રમવાની છે જેની પહેલી મેચ ૨૨ સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. ત્યારબાદ શ્રેણીનો બીજો મુકાબલો ૨૪ સપ્ટેમ્બરે ઈન્દોરમાં રમાશે. આ મેચ રમાઈ ગયા બાદ ૨૫ના બપોરે ચાર્ટડ ફ્લાઈટ મારફતે બન્ને ટીમ બપોરે ૧:૩૦ વાગ્યે રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ઉતરાણ કરશે અને ૩૧ કિલોમીટરનું અંતર કાપીને પોતપોતાની હોટેલ પહોંચશે. આ પછી આખો દિવસ આરામ કર્યા બાદ બીજા દિવસે ૨૬ સપ્ટેમ્બરને મંગળવારે બન્ને ટીમની નેટ પ્રેક્ટિસ થશે.
ત્યારબાદ બુધવારે બપોરે ૧:૩૦ વાગ્યાથી વન-ડે મુકાબલો શરૂ થશે જેના માટે ક્રિકેટરસિકોને સવારે ૧૧:૩૦ વાગ્યાથી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. મેચનું પ્રથમ સેશન બપોરે ૧:૩૦થી ૫ વાગ્યા સુધી રમાશે. આ પછી ૫થી ૫:૪૫ વાગ્યા સુધી ઈન્ટરવલ રહેશે. ૫:૪૫ વાગ્યે બીજું સેશન શરૂ થયા બાદ મેચ પૂરી થયા સુધી ચાલશે.
વર્લ્ડકપ પહેલાં બન્ને ટીમ માટે છેલ્લી વન-ડે
આગામી ૫ ઑક્ટોબરથી ભારતના આંગણે વન-ડે વર્લ્ડકપ શરૂ થવા જઈ રહ્યો છે તેના પહેલાં ૨૭ સપ્ટેમ્બરે ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે રાજકોટમાં મુકાબલો રમાનાર છે ત્યારે આ મુકાબલો બન્ને ટીમ માટે વર્લ્ડકપ પહેલાંનો આખરી મુકાબલો બની રહેશે. આ પછી ૮ ઑક્ટોબરે ચેન્નાઈમાં ઑસ્ટે્રલિયા સામે જ ભારત પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. એકંદરે રાજકોટનો મુકાબલો ટીમ ઈન્ડિયા માટે `ડે્રસ રિહર્સલ’ પણ બની રહેશે.
રાજકોટ આવનારી ટીમ ઑસ્ટે્રલિયા
પેટ કમીન્સ (કેપ્ટન), ટે્રવિસ હેડ, ડેવિડ વૉર્નર, સ્ટિવ સ્મિથ, કેમરુન ગ્રીન, આરોન હાર્ડી, મીચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, શીન અબોટ, એશ્ટન એગર, એલેક્સ કેરી, જોશ ઈંગ્લીશ, નાથન ઈલિસ, જોશ હેઝલવૂડ, તનવીર સાંઘા, મીચેલ સ્ટાર્ક, એડમ ઝેમ્પા