રાજકોટ શહેર-જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ઉજવણી
લોધિકા ખાતે ખાતે જિલ્લાકક્ષાની અને ચૌધરી હાઈસ્કૂલ મેદાન ખાતે શહેરકક્ષાના સ્વતંત્રતા પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી
જિલ્લા કલેકટરના હસ્તે લોધિકા તાલુકાના વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક પંચાયતને અર્પણ કરાયો
૭૮મા સ્વતંત્રતાપર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં લોધિકા ખાતે કરવામાં આવી હતી જયારે શહેરકક્ષાના સ્વતંત્રતા પર્વની રાજકોટ શહેરની ચૌધરી હાઈસ્કૂલ ખાતે નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીના હસ્તે ધ્વજવંદન કરી કરવામાં આવી હતી જેમાં રંગીલા રાજકોટવાસીઓ દેશભક્તિના રંગે રંગાયા હતા.
રાજકોટવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવતાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, આપણો દેશ આજે આઝાદીના ૭૮મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે સ્વતંત્રતા માટે પોતાનું જીવન અર્પણ કરી દેનારા વીરસપૂતોને વંદન કરવાનો આ અવસર છે. આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાત માનવ સંસાધન માટે એક વૈશ્વિક કેન્દ્ર તેમજ વિશ્વ સ્તરીય શૈક્ષણિક સંસ્થાઓ અને કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું હબ બનવાની દિશામાં અગ્રેસર છે. મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના દ્વારા સેમિકન્ડક્ટર, બ્લોકચેન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા કેટલાક ઉભરતા ક્ષેત્રો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાજ્યના યુવાનો રોજગારવાંચ્છુઓ નહિ, પણ રોજગારદાતા બને તે માટે રાજ્યમાં સ્ટાર્ટ-અપ ઈકો-સિસ્ટમ વિકસાવી છે. કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય સ્ટાર્ટ-અપ રેંકિંગ ફ્રેમવર્કમાં ગુજરાત સતત ‘બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ’ બન્યું છે.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં એઇમ્સ સહિત વિવિધ આરોગ્ય મંદિરો થકી આરોગ્ય સેવાઓને સતત સુદ્રઢ બનાવાઈ રહી છે. ઔદ્યોગિક ક્ષેત્રે રાજકોટ જિલ્લો દેશભરમાં નામ રોશન કરી રહ્યો છે. ‘‘ઝીરો ઈફેક્ટ – ઝીરો ડિફેક્ટ’’ – ઝેડ સર્ટિફિકેટ લેવામાં રાજકોટના ઉદ્યોગો દેશમાં પ્રથમ છે. આમ વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ થકી સરકાર જન જનના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. હાલ અમૃતકાળ ચાલી રહ્યો છે ત્યારે ‘‘વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત’’ના સંકલ્પને સાકાર કરવા આપણે બધા પ્રતિબદ્ધ થઈએ, તેમ ઉમેર્યું હતું.
લોધીકા ખાતે જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે ૧૯૪૨ની “હિન્દ છોડો” આંદોલનના લીધે ૨૦ માસ જેલની સજા ભોગવેલા સ્વાતંત્ર્ય સેનાની ધીરજલાલ રાવલના પરિજનો અને સ્વતંત્રતા સેનાની છગનભાઈ રાવજીભાઈ કટારીયાના પરિજનોનું ક્લેક્ટરશ્રીના હસ્તે સુતરની આંટી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. કલેકટરે લોધિકા તાલુકાના વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક પંચાયતને એનાયત કર્યો હતો. સાથે જ કલેક્ટરના હસ્તે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ટી.આર.પી. ગેમઝોન વખતે લોકોના જીવ બચાવનારા દક્ષ કુંજડીયા, જિલ્લાના રમતવીરો, શાળાના શિક્ષકો તથા ચૂંટણી, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ સહિતના વિભાગોની અતિપ્રશંસનિય કામગીરી બદલ કુલ ૮૩ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જયારે રાજકોટ શહેરકક્ષાની ઉજવણીમાં ચૌધરી હાઈસ્કૂલના પટાંગણમાં ૭૮માં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શહેર કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધીએ દેશની આન, બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજને ફરકાવીને સલામી આપી હતી. આ તકે પોતાના ઉદબોધનમાં અધિક કલેકટર ચેતન ગાંધીએ ઔદ્યોગિક ક્ષેત્રે રાજકોટ જિલ્લો દેશભરમાં નામ રોશન કરી રહ્યો છે. ‘‘ઝીરો ઈફેક્ટ – ઝીરો ડિફેક્ટ’’ – ઝેડ સર્ટિફિકેટ લેવામાં રાજકોટના ઉદ્યોગો દેશમાં મોખરે છે. રાજકોટ જિલ્લામાં ૯૬૯૨ જેટલા ઝેડ સર્ટી. લેવામાં આવ્યા છે. જ્યારે પી.એમ. વિશ્વકર્મા યોજના હેઠળ ૫૯,૫૧૪ જેટલી અરજીઓ રાજકોટ જિલ્લામાં આવી છે. આમ, રાજ્ય સરકાર સમાજના તમામ વર્ગના ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે મિશન મોડમાં કામ કરી રહી
રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ
રાજકોટ : રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ૭૮માં સ્વાતંત્ર્ય-પર્વની ઉજવણી કરાઈ હતી. જેલ અધિક્ષક રાઘવ જૈનએ જેલ કેમ્પસમાં સ્ટાફના પરિવારજનો તેમજ જેલ બંદીવાનોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે જેલ અધિક્ષકશ્રી તથા નાયબ અધિક્ષક નાસિરુદ્દીનએ જેલમાં તમામ બંદીવાનોને સ્વતંત્ર પર્વની શુભેચ્છા પાઠવી જેલ મુક્તિ બાદ સમાજમાં પુન:સ્થાપિત થાય તેવો સંદેશ આપ્યો હતો. જેલના ૭ બંદીવાનોને ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા લેવાયેલ સી.એફ.એન. કોર્સની પરીક્ષામાં ઉતિર્ણ થતાં પ્રોત્સાહિત કરી સર્ટીફીકેટ એનાયત કર્યા હતા.