વોર્ડ નં.૩માં તો સમસ્યા હી સમસ્યા: ૯૦ ફરિયાદો !
પાણી, ડે્રનેજની ફરિયાદોનો ધોધ વછૂટ્યો: ગેરકાયદે બાંધકામની ૧૧ રાવ: આધાર કાર્ડ, રોગચાળા, રોશની સહિતની ફરિયાદ પણ આવી
રાજકોટ ખરેખર સ્માર્ટ સિટી' છે કે નહીં તેની ખરાઈ કરવા અને સુવિધાને લઈને લોકોના
મનની વાત’ જાણવા માટે મહાપાલિકા દ્વારા દરેક વોર્ડમાં `લોક દરબાર’નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં લોકો પોતાના વોર્ડને લગતી ફરિયાદો કરે છે. અત્યાર સુધીમાં ત્રણ વોર્ડમાં આ પ્રકારનો લોક દરબાર યોજાયો છે જે પૈકી વોર્ડ નં.૩માં જાણે કે સમસ્યા હી સમસ્યા જ હોય તેવી રીતે દસ-વીસ નહીં બલ્કે ૯૦ ફરિયાદો આવતાં હાજર પદાધિકારીઓ અને અધિકારીઓ પણ માથું ખંજવાળવા માટે મજબૂર બની ગયા હતા !
વોર્ડ નં.૩ એ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા સહિતનો વોર્ડ છે. દરમિયાન લોક દરબારમાં બાંધકામ, વોટર વર્કસ, ડે્રનેજને લગતી ૩૬, આવાસ યોજનાની ૨, ટાઉન પ્લાનિંગ વિભાગ મતલબ કે ગેરકાયદે બાંધકામની ૧૧, ફાયરની ૧, એસ્ટેટની ૩, આઈસીડીએસની ૨, અન્ય વિભાગની ૬, રોશનીને લગતી ૫, મેલેરિયા-આરોગ્યની ૧, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટની ૧૪, ગાર્ડનની ૨, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ મતલબ કે ગંદકીની ૬ અને આધારકાર્ડને લગતી એક મળી કુલ ૯૦ ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવી હતી.
આ ઉપરાંત લોકો દ્વારા સિંચાઈ, સફાઈ, વરસાદી પાણી ભરાવા, અન્ડરબ્રિજ-ઓવરબ્રિજ બનાવવા, ડામર રોડ કરવા, ડિવાઈડર ખોરવા, નવા રોડ ખુલ્લા કરવા, આરોગ્ય કેન્દ્ર-આંગણવાડી બનાવવા, રેલનગર વિસ્તારમાં આવેલી તમામ ટાઉનશિપમાં સોલાર સિસ્ટમ નાખવા, લાઈબ્રેરી અને સ્વિમિંગ પુલ બનાવવા, પોપટપરાનું નાલું પહોળું કરવા સહિતની રજૂઆત પણ કરી હતી.