યુપીમાં સરકાર અને સંગઠન વચ્ચેની લડાઈ વધુ ઘેરી બની
મંત્રીનો દરજ્જા ધરાવતા કિન્નર કલ્યાણ બોર્ડના પ્રમુખપદેથી સોનમનું રાજીનામું
યુપીમાં ભાજપ સરકાર અને સંગઠન વચ્ચેની લડાઈ વધુ આકરી બની રહી છે. રાજ્યમંત્રીનો દરજ્જો ધરાવતા કિન્નર કલ્યાણ બોર્ડના પ્રમુખ સોનમ કિન્નર ભારે અસંતુષ્ટ રહ્યા છે અને એમણે શુક્રવારે પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. જો કે રાજીનામાનો સ્વીકાર કરાયો નથી અને લડાઈ વધુ આગળ વધી રહેલી દેખાય છે.
સોનમે એમ કહ્યું હતું કે અધિકારીઓ જ્યારે અમારી વાત જ સાંભળતા નથી તો પછી મંત્રી બની રહેવાનો શું મતલબ છે. યુપીના અધિકારીઓએ જ સરકારને મોટું નુકસાન કર્યું છે. ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે અને કોઈના કામ રૂપિયા વિના થતાં જ નથી. આ સ્થિતિ અસહ્ય બની ગઈ છે.
એમણે એમ પણ કહ્યું હતું કે લોકસભાની ચુંટણીમાં ભાજપની હાર થઈ છે પણ જવાબદારી કોઈ લેતું જ નથી. હું પોતે જ જવાબદારી સ્વીકારી લઉં છું. સોનમે કહ્યું કે હવે હું સરકાર નહીં પણ સંગઠનમાં જ કામ કરીશ. આમ હવે યુપીમાં સરકાર અને સંગઠન વચ્ચેની લડાઈ ચિંતાજનક બની રહી છે.