મોરબી રોડ પર ઝાડ કાપવાના ચક્કરમાં વૃદ્ધ થયા લોહીલુહાણ !
દુકાન ઉપરનું ઝાડ નડી રહ્યું હોય તેને કાપવા ઉપર ચડ્યા’ને કટર હાથમાંથી છટકતાં આંખ-મોઢા ઉપર ગંભીર ઈજાઓ
ઘાયલ થયા બાદ પંદર મિનિટ સુધી વૃક્ષ પર જ લટકી રહ્યા: ફાયરબ્રિગેડે કર્યું રેસ્ક્યુ
મોરબી રોડ પર એક વિચિત્ર ઘટના બનવા પામી હતી જ્યાં એક વૃદ્ધ ઝાડ કાપવાના ચક્કરમાં શરીરે ગંભીર ઈજાઓ કરી બેસતાં તેમનું રેસ્ક્યુ કરીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
મોરબી રોડ બ્રિજ નીચે ઓમ પાર્ક મેઈન રોડ પર દુકાન ધરાવતાં વિજયભાઈ રમણીકભાઈ તન્ના (ઉ.વ.૫૮, રહે.માધાપર) પોતાની દુકાન ઉપર નડતરરૂપ ઝાડની ડાળી કાપવા માટે પોતાની રીતે જ ચડ્યા હતા. આ પછી ડાળી કાપવાનો પ્રયત્ન કરતા હાથમાંથી કટર છટકી જઈને તે સીધું તેમની આંખ અને મોઢા ઉપર લાગી જતાં લોહીલુહાણ થઈ ગયા હતા. આ પછી એ જ હાલતમાં વિજયભાઈ પંદર મિનિટ સુધી ઝાડ પર લટકી રહ્યા હતા ત્યારબાદ ત્યાંથી બાઈકચાલક પસાર થતાં તેના ધ્યાન પર આ ઘટના આવી હતી જેથી તેણે તુરંત ફાયરબ્રિગેડને ફોન કરતાં જવાનોએ દોડી જઈને વિજયભાઈને સુરક્ષિત રીતે નીચે ઉતારી ૧૦૮ મારફતે સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા. જાણવા મળ્યા પ્રમાણે વિજયભાઈને આંખમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. એકંદરે આ ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા.