રાજકોટ સિવિલમાં રૂપાલા -રૂપાણીના નામે ફિક્સ પગારદારોને ધમકી !
સિવિલ હોસ્પિટલમાં નર્સીંગ અને અન્ય યુનિયન આગેવાનો વિરુદ્ધ આરોગ્યમંત્રીને ફરિયાદ
વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવવાની સાથે ઘરના ઘર હોવા છતાં ક્વાટર્સમાં રહેતા 14 કર્મચારીઓ સામે તપાસ શરૂ
રાજકોટ : રાજકોટ સિવિલમાં વર્ષોથી પેધી ગયેલા નર્સીંગ સહિતના જુદા-જુદા યુનિયનના કહેવાતા નેતાઓ દ્વારા કરાર આધારિત તેમજ ફિક્સ પગારદાર કર્મચારીઓને રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નામે ધમકીઓ આપી મનમાની ચલાવતા હોવાનું તેમજ પોતાના ઘરના ઘર હોવા છતાં પણ ધરમ સિનેમા પાછળ આવેલ ક્વાટર્સમાં રહેતા હોવા અંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને અલગ-અલગ બે ફરિયાદ કરવામાં આવતા રાજકોટ તબીબ અધિક્ષક દ્વારા ચાર સભ્યોની કમિટી બનાવી તપાસના આદેશ આપવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં રોજે રોજ નવા નવા વિવાદ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કરાર આધારિત તેમજ ફિક્સ પગારદાર કર્મચારીઓએ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલને એક સ્ફોટક પત્ર લખી સિવિલ હોસ્પિટલમાં વર્ષોથી પેધી ગયેલા અને પોતાની જાતને યુનિયન પ્રમુખ તેમજ નેતાઓ ગણાવતા 14 કર્મચારીઓ કરાર આધારિત તેમજ ફિક્સ પગારદાર કર્મચારીઓને રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા અને માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે પોતના ઘનિષ્ઠ સંબંધો હોવાનું કહી દબાવી હેરાન કરી રહયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
વધુમાં આ પત્રમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કુલ 14 કર્મચારીઓના નામનો ઉલ્લેખ કરી આ કર્મચારીઓને ક્યાં નેતાજીનું પીઠબળ છે તેની વિગતો પણ સ્ફોટક પત્રમાં ઉલ્લેખવામાં આવી છે. સાથે જ એક બુદ્ધિશાળી કર્મચારી નોકરીએ લાગ્યા ત્યારથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હોવાનું અને તેમના પરમ પૂજ્ય પિતાજી રાજકીય નેતાઓ સાથે ભઈબંધીના નાતે ધરમ ટોકીઝ પાછળ ક્વાટર્સ ફાળવણીમાં રોકડી કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય એક કર્મચારી દંપતી તેમજ અન્ય એક સ્ટાફ નર્સ પૂર્વ સિવિલ સ્પ્રિન્ટેન્ડેન્ટની ભલામણથી સિવિલ ઉપરાંત ખાનગી નોકરી કરતા હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત કહેવાતા આ તમામ યુનિયન આગેવનો પાસે ઘરના ઘર હોવા ઉપરાંત તેમના માતા-પિતા પાસે પણ મકાન મિલ્કત હોવા છતાં પોતાના મકાન ભાડે આપી ધરમ ટોકીઝ પાછળ આવેલા સ્ટાફ ક્વાટર્સમાં રહેતા હોવાની આરોગ્ય મંત્રીને ફરિયાદ કરવામાંઆવતાં રાજકોટ પીડીયું હોસ્પિટલના તબીબ અધિક્ષક પણ ચોકી ઉઠ્યાહોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમા કામ કરતા કરાર આધારિત તેમજ ફિક્સ પગારદાર કર્મચારીઓને યુનિયનના કહેવતા નેતાઓ દ્વારા હેરાનગતિ મામલે રાજ્યના આરોગ્યમંત્રીને ફરિયાદ થતા આ મામલે પંડિત દિન દયાળ ઉપાધ્યાય હોસ્પિટલના તબીબ અધિક્ષક દ્વારા સમગ્ર મામલે ચાર સભ્યોની કમિટીની રચના કરી ક્વાટર્સની ફાળવણી સહિતની તમામ વિગતો તેમજ આક્ષેપિત કર્મચારીઓના નામના લિસ્ટ સાથે તમામ સામે તપાસ કરી દિવસ 10માં તપાસ રિપોર્ટ આપવા આદેશ કર્યો હોવાનું સિવિલ હોસ્પિટલના સુમાહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે.