સર્વેશ્વર ચોકમાં ઉપર રસ્તો નીચે વોંકળો પસાર થશે
૪.૯૧ કરોડના ખર્ચે સ્લેબ કલ્વર્ટ બનાવવાનું શરૂ: વોંકળો હવે શિવમ કોમ્પલેક્સ નીચેથી પસાર નહીં થાય, યાજ્ઞિક રોડ ક્રોસ કરશે
બે વર્ષ પહેલાં સર્વેશ્વર ચોકમાં ગણેશોત્સવ દરમિયાન વોંકળા પરનો સ્લેબ ધસી પડવાને કારણે ૩૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા તો એક વૃદ્ધાનું અવસાન થવા પામ્યું હતું. હવે અહીં નવો સ્લેબ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ માટે નવી ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે જે પ્રમાણે સર્વેશ્વર ચોકમાં ઉપર રસ્તો અને નીચેથી વોંકળો પસાર થશે. ૪.૯૧ કરોડના ખર્ચે સ્લેબ કલ્વર્ટના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ સ્લેબ કલ્વર્ટ ૨૯૯૦ ચોરસમીટર ક્ષેત્રફળમાં બનાવાશે જેની લંબાઈ ૧૧૦ રનિંગ મીટર અને પહોળાઈ ૯ રનિંગ મીટર તેમજ ઉંચાઈ ૩ રનિંગ મીટર રહેશે. અગાઉ અહીં વોંકળો શિવમ કોમ્પલેક્સ-૧ અને શિવમ કોમ્પલેક્સ-૨ની નીચેથી પસાર થતો હતો જેના કારણે તેની વ્યવસ્થિત સફાઈ થતી ન હોય હવે વોંકળાનું વ્હેણ બદલાવામાં આવ્યું છે. હવેથી આ વોંકળો શિવમ કોમ્પલેક્સ નહીં બલ્કે યાજ્ઞિક રોડ ક્રોસ કરી નાગરિક બેન્કના ખૂણા સુધી લંબાશે જેનું કામ ત્રણેક મહિના સુધી ચાલનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કામ પૂર્ણ થયા બાદ યાજ્ઞિક રોડ બંધ કરીને નીચેથી મોટો વોંકળો પાસ કરવામાં આવશે જે સીધો સદરબજાર તરફ જતાં વોંકળા સાથે જોડાશે.
સંપૂર્ણ કામ પૂર્ણ થતાં અંદાજે એક વર્ષ જેટલો સમય લાગે તેવી શક્યતા છે. આ વોંકળાનું વ્હેણ હયાત રસ્તા પરથી ડાયવર્ટ કરવાને કારણે વોંકળાની સફાઈ વ્યવસ્થિત થઈ શકશે સાથે સાથે વરસાદી પાણીનો નિકાલ પણ ઝડપથી થવાને કારણે ૧૫,૦૦૦ જેટલા લોકોને રાહત મળશે.