સાચવજો ! રાજકોટમાં પાંચ દિ’ ગરમી ભૂક્કા કાઢશે !
મહાપાલિકાએ રેડ એલર્ટ' જાહેર કર્યું
૨૪ સુધી તાપમાનનો પારો ૪૫ ડિગ્રીએ પહોંચવાની શક્યતા
બપોરે ૧૨થી ૩ ઘરમાં જ રહેવા સુચન
આખા ગુજરાતમાં તાપમાનનો પારો ચરમસીમાએ પહોંચી ગયો છે અને અગન આગ ઓકી રહ્યું છે. રાજકોટમાં ગરમી ઘટવાનું નામ જ લઈ રહી ન હોય તેમ પારો ઉંચે જઈ રહ્યો છે. દરમિયાન આગામી પાંચ દિવસ સુધી શહેરમાં ગરમી ભૂક્કા કાઢી નાખે તે રીતે પડનાર હોવાથી મહાપાલિકા તંત્ર દ્વારા
રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
મહાપાલિકા દ્વારા તા.૨૦થી તા.૨૪ દરમિયાન મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રીએ પહોંચી જવાનું અનુમાન હવામાન વિભાગ-અમદાવાદની આગાહી પ્રમાણે લગાવ્યું છે. એકંદરે પાંચ દિવસ હિટવેવની પરિસ્થિતિ રહેવાની હોવાથી રેડ એલર્ટ જાહેર કરાયું છે.
આ દરમિયાન તંત્ર દ્વારા લોકોને એવી અપીલ પણ કરવામાં આવી છે કે હિટવેવની સ્થિતિમાં જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવું જોઈએ. મુસાફરી કરતી વખતે પીવાનું પાણી ફરજિયાતપણે સાથે રાખવું જોઈએ. આ ઉપરાંત બને એટલો સમય ઘરમાં જ રહેવું જોઈએ અને ઘરમાં હવાની અવર-જવર યોગ્ય રીતે રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને ખાસ કરીને બપોરે ૧૨થી ૩ વાગ્યાની વચ્ચે ઘરમાં રહેવું હિતાવહ ગણાશે. આ જ રીતે બપોરે બહાર હોય ત્યારે વધુ મહેનતવાળી પ્રવૃત્તિથી દૂર રહેવું જોઈએ અને ખુલ્લા પગે બહાર નીકળવું ન જોઈએ.
ભારે ગરમી હોવાને કારણે આલ્કોહોલ, ચા, કોફી અને કોર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ અથવા મોટી માત્રામાં ખાંડવાળા પીણાં લેવાનું ટાળવું જરૂરી છે.
હિટ સ્ટ્રોકનાં લક્ષણો
- શરીરના તાપમાનમાં વધારો
- ગભરામણ થવી
- ઉલટી-ઉબકા આવવા
- પરસેવો બંધ થવો
- બેભાન થઈ જવું
ગરમીમાં રોગચાળાએ માથું ઉંચક્યું: તાવ-ઝાડા-ઊલટીના કેસ વધ્યા
એક બાજુ રાજકોટમાં ગરમી બોકાસો બોલાવી રહી છે ત્યારે બીજી બાજુ રોગચાળો પણ એટલો વધી રહ્યો છે. મનપાના સાપ્તાહિક આરોગ્ય રિપોર્ટમાં ડેંગ્યુના બે, શરદી-ઉધરસના ૫૨૭, સામાન્ય તાવના ૩૦૪ અને ઝાડા-ઊલટીના ૨૯૨ તેમજ ટાઈફોઈડના બે કેસ નોંધાયા છે. આગામી સપ્તાહે રોગચાળામાં ઉછાળો આવવાની શક્યતા પણ નિષ્ણાત તબીબો કરી રહ્યા છે.