રાજકોટ જિલ્લામાં નડતરરૂપ ધાર્મિક દબાણોને નોટિસો ફટકરાશે
જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો : પ્રાંત અધિકારીઓને કાર્યવાહી કરવા જીલ્લા કલેકટરનો આદેશ
દ્વારકા, કચ્છ અને છેલ્લે સોમનાથમાં ધાર્મિક દબાણો અંગે થયેલ કાર્યવાહી બાદ સરકારની સૂચના મુજબ રાજકોટ જિલ્લામાં પણ ધાર્મિક દબાણો સામે કલેકટર તંત્ર દ્વારા કાર્યવાહી કરવાના સંકેતો મળી રહ્યા છે, જિલ્લામાં સરકારી તંત્રના સર્વે મુજબ 2000થી વધુ ધાર્મિક દબાણો છે ત્યારે નડતર રૂપ હોય તેવા દબાણોને નોટિસ ફટકારી ત્વરિત કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ તમામ પ્રાંત અધિકારીઓને સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ધાર્મિક દબાણોને લઈને સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટ સતત સરકારને સુચનાઓ આપી રહી છે. તેવામાં સરકારના આદેશ મુજબ રાજકોટ જિલ્લા કક્ષાએથી નડતર રૂપ ધાર્મિક દબાણો સામે કાર્યવાહી કરવા ગતિવિધિ તેજ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં સરકારી સર્વે મુજબ 2000 જેટલા નાના મોટા ધાર્મિક દબાણો છે જે પૈકી નડતરરૂપ ધાર્મિક દબાણને નોટિસો ફટકારવા જિલ્લા કલેકટરે સૂચના પાઇ છે. વધુમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ધાર્મિક દબાણના કિસ્સાઓમાં બે વિકલ્પ હોય છે. સમજાવટથી અલગ જગ્યાએ ધર્મસ્થળ શિફ્ટ કરવામાં આવે અથવા રેગ્યુલરાઈઝ થઈ શકે તેવી જગ્યાને રેગ્યુલરાઈઝ કરવામાં આવી શકે છે. જો આ બે વિકલ્પ સાનુકૂળ ન હોય તેવા દબાણોને તોડી પાડવામાં આવતા હોય છે. હાલમાં જિલ્લામાં નડતરરૂપ ધાર્મિક દબાણોને નોટિસો આપવા જિલ્લા કલેકટર દ્વારા આદેશ આપવમાં આવ્યા હોવાનું જાણવા મળે છે.