રાજકોટ સિવિલમાં મેહેમાનોને ગુલદસ્તાને બદલે રોપ અપાશે
હોસ્પિટલ હરિયાળી બનાવવા અનોખો નિર્ણય
મહેમાનોની આગતા સ્વાગત પાછળ થતા લાખોનો ખર્ચ બચવાની સાથે પર્યાવરણની સુરક્ષા
રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટની નિમણુંક સાથે અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યા છે જેમાં હવે સિવિલ હોસ્પિટલમાં મહેમાનોનો આગતા સ્વાગતા પાછળ વર્ષે દહાડે કરવામાં આવતો લાખોનો ખર્ચ બચાવી નવી પહેલ કરી સિવિલમાં મેહમાન બનતા મહાનુભાવોને બુકે કે ફૂલ આપવાને બદલે રોપ આપી આ મહેમાનના હસ્તે જ હોસ્પિટલના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાવવા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર સુશ્રુષા માટે આવી રહ્યા છે જેની સાથે સૌરાષ્ટ્રના પાટનગરની આ હોસ્પિટલમાં મહેમાનોની પણ વ્યાપક અવરજવર રહેતી હોય સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માંકડિયા દ્વારા મહત્વનો નિર્ણય લઈ હવેથી સિવિલ હોસ્પિટલમાં આવતા મહાનુભાવો અને મહેમાનોનું ફૂલ કે બુકે આપી સ્વાગત કરવાને બદલે ફળફુલના રોપ આપી તેમના જ હસ્તે સિવિલ કેમ્પસમાં વૃક્ષારોપણ કરાવવામાં આવશે, શુક્રવારે નારિવંદના કાર્યક્રમના આયોજનથી જ આ નવા આવકારદાયક નિર્ણયનો અમલ શરૂ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉના સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટના કાર્યકાળમાં સિવિલ હોસ્પિટલ ખીલેલા બાઉન્સર ક્લચરનો છેદ ઉડાડવાની સાથે નવા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા પર્યાવરણલક્ષી નિર્ણય લઈ હોસ્પિટલમાં વર્ષે દહાડે મહેમાનોની આગતા સ્વાગત પાછળ થતો લાખોનો ખર્ચ બચાવવાની સાથે વિનામૂલ્યે રોપા મેળવી મહાનુભાવોના હસ્તે આવા ફૂલછોડનું કેમ્પસમાં રોપણ કરી આવનાર ભવિષ્યમાં સીવીલને લીલીછમ બનાવવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી.