માહી ફૂડ’માં ગંદકી વચ્ચે તૈયાર કરાતું હતું ચકરી-કુરકુરે સહિતનું ફરસાણ !
તહેવારોમાં બહારનું ખાધું એટલે બીમાર પડ્યા સમજો' જેવી સ્થિતિ
જમીન ઉપર બાફેલો લોટ બાંધીને ચકરી બનતી, ધૂળ-જંતુ બધું મીક્સ થઈ જતું છતાં વેપારીના પેટનું પાણી ન્હોતું હલતું: ૧૩૫૦ કિલો અખાદ્ય ફરસાણનો નાશ: જામનગર રોડ પર ભરત ફરસાણ બાદ હવે વાવડીમાં માહી ફૂડ ઝપટે ચડ્યું
દિવાળીના સપરમા તહેવારો બારણે ટકોરા મારી રહ્યા છે જેના કારણે લોકોના ચહેરા ઉપર અનેરો ઉલ્લાસ-ઉમંગ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તહેવારોમાં રાજકોટીયન્સ ખાણીપીણીની જ્યાફત ઉડાવવામાં ક્યારેય ખીસ્સાનું વજન જોતાં હોતા નથી એ વાત સૌ કોઈ જાણી ગયું છે. ખાસ કરીને દિવાળીમાં ફરસાણની માંગ વધુ રહેતી હોવાથી નફાખોરો દ્વારા એ વાતનો લાભ લઈને માપદંડ વગર જ ફરસાણ તૈયાર કરીને લોકોના પેટમાં ધાબડી દેવામાં આવતું હોય કદાચ પહેલી વખત તહેવાર પહેલાં જ મહાપાલિકાની ફૂડ શાખાએ એલર્ટ થઈને ધડાધડ દરોડા પાડવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં જ જામનગર રોડ પર ભરત ફરસાણના ગોડાઉનમાં દરોડો પાડ્યા બાદ હવે વાવડીમાં માહી ફૂડ પ્રોડક્ટસમાં દરોડો પાડીને ૧૩૫૦ કિલો અખાદ્ય ફરસાણ પકડીને તેનો નાશ કરવામાં આવ્યો છે.
ફૂડ શાખા દ્વારા વાવડીના જલીયાણ ઈન્ડસ્ટ્રીયલ એરિયા પાસે, રંગોલી સ્ટીલની બાજુમાં આવેલી હરિકૃષ્ણ કમલેશભાઈ લીલાની ભાગીદારી પેઢી માહી ફૂડ પ્રોડક્ટસ'માં તપાસ કરતાં ત્યાં એકદમ ગંદકી વચ્ચે ફરસાણ તૈયાર થતું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ ઉપરાંત અહીં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અન્વયે એક્સપાયરી ડેટ કે ઉત્પાદન અંગેની કોઈ પણ વિગતો છાપી ન હોય તેવા ૨૮૫ કિલો કુરકુરે જેવું ફરસાણ, ૩૦૦ કિલો ચકરી, ૮૦ કિલો કોર્નબાઈટ, ૫૦ કિલો પડતર ફરસાણ મળી ૭૧૫ કિલો વાસી ફરસાણનો જથ્થો મળી આવતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે અહીં જ વિમલ વેકરીયાની માલિકી પેઢી
માહી જનરલ ફૂડ પ્રોડક્ટસ’ની તપાસ કરવામાં આવતાં અહીં ચકરી માટે જમીન પર પાથરેલો બાફેલો લોટ ૨૫૦ કિલો, તૈયાર ચકરી ૩૫૦ કિલો અને અન્ય વાસી ફરસાણ ૭૫ કિલો મળી કુલ ૬૭૫ કિલો વાસી ફરસાણ મળી આવતાં તેનો પણ નાશ કરાયો હતો.
પકડાયું આટલું તો પછી વેચાયું કેટલું હશે ?
રાજકોટમાં દરરોજ કોઈને કોઈ વિસ્તારમાંથી બેકાર ફરસાણનો જથ્થો પકડાઈ રહ્યો છે ત્યારે બુદ્ધિજીવિ લોકો એવો પ્રશ્ન પણ ઉઠાવી રહ્યા છે કે પકડાઈ આટલું રહ્યું છે તો પછી વેચાઈ કેટલું ગયું હશે ? ટનમોઢે વાસી ફરસાણ પકડાઈ રહ્યું હોવાથી નફાખોર વેપારી દ્વારા મોટાપાયે જ ફરસાણનું ઉત્પાદન કરીને મોટાપાયે જ તેનું વેચાણ પણ કરવામાં આવતું હોવાથી આ ચેઈન બહુ લાંબી હોવાનું નકારી શકાય તેમ નથી.
એ તો ખાનારા ભોગવશે, આપણે શું ? આવી માનસિક્તા વ્યાજબી નથી
નફાખોરો દ્વારા એવી હલકી માનસિક્તા જ રાખવામાં આવી રહી છે કે આપણે ભંગાર વસ્તુ વાપરીને ફરસાણ તૈયાર કરો અને સસ્તા ભાવે વેચી નાખો…આ ફરસાણ જે ખાશે એ ભોગવશે…!! આવી હિન હરકતોને કારણે જ લોકો બીમાર પડી રહ્યા છે છતાં આ લોકો સુધરવાનું નામ લઈ રહ્યા નથી.
મુખવાસ, ચકરી, મરચા પાઉડરના નમૂના લેવાયા
ફૂડ શાખા દ્વારા સોમવારે પરાબજાર તેમજ પ્રહલાદ ટોકીઝ પાસે દરોડો પાડીને અમૃત મુખવાસ-પ્રકાશ સ્ટોર્સમાંથી ૨૦૦૦ કિલો કલરયુક્ત મુખવાસ પકડી પાડ્યા બાદ ત્યાંથી મુખવાસના અલગ-અલગ નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વાવડીમાં માહી ફૂડ પ્રોડક્ટસમાંથી મરચાં પાઉડર, ચકરીના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ભેળસેળીયા પર તૂટી પડવા મુખ્યમંત્રીનો આદેશ
જાણવા મળતી વિગતો પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મંત્રીઓ સાથે બેઠક કરીને ગુજરાતની તમામ મહાપાલિકા-નગરપાલિકાઓના અધિકારીઓને ભેળસેળીયા તત્ત્વો ઉપર તૂટી પડવાનો આદેશ આપ્યો હોવાથી આગામી સમયમાં રાજકોટમાં ભેળસેળ કરીને હલકી કક્ષાનો ખાદ્યપદાર્થ ધાબડતાં નફાખોરોનું આવી બનશે તે વાત નિશ્ચિત બની ગઈ છે.