જસદણમાં ૨૮૭ દિવ્યાંગોને ૪૯૮ વિવિધ પ્રકારની સાધન સહાય અપાઈ
ઇન્ડિયન ઓઇલ કંપનીના સીએસઆર ફંડમાંથી દિવ્યાંગને રૂ. ૪૮,૫૧,૯૮૫ની સહાયનું વિતરણ
રાજકોટ : જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જસદણના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે ઇન્ડિયન ઓઇલ કંપનીના સહયોગથી દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રૂ. ૪૮,૫૧,૯૮૫/- ના ૪૯૮ પ્રકારના વિવિધ જીવન ઉપયોગી સહાયક સાધનોનું ૨૮૭ દિવ્યાંગોને મંત્રીશ્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે રાજ્યમંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’’ઉકિતને સાર્થક કરવા જસદણ અને વીંછિયા વિસ્તારમાં સેવાકીય પ્રવૃતિઓ અને સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં પ્રથમ વખત મોબાઇલ વર્કશોપના માધ્યમથી કેમ્પ સ્થળ પર જ આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિના મુલ્યે ટ્રાય સાયકલ, વ્હિલ ચેર, હિયરીંગ એડ મશિન, બેટરીથી સંચાલીત મોટર સાયકલ, વોકિંગ સ્ટીક, કાખ ઘોડી, સી.પી. ચેર, ફોલ્ડીંગ સ્ટીક વગેરે સહાય સાથે દિવ્યાંગો પગભર થાય તે માટે ઉદ્યોગો, નાના વ્યવસાયો શરૂ કરવા અને કોઈના ઉપર નિર્ભર ના રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ કેમ્પ વિશે સંપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા ખાતે આ ચોથો દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાઈ રહ્યો છે. આ પહેલા જિલ્લાના પડધરી, લોધીકા અને વિછીયા તાલુકાઓ ખાતે કેમ્પનું આયોજન કરાયેલું હતું. ઉપરાંત, દિવ્યાંગોનું ઘર આંગણે જ મૂલ્યાંકન કરીને તેને સાધન સહાય પૂરી પાડવાનું આ મિશન ખૂબ જ ઉપયોગી છે.આઈ.ઓ.સી.ના અમિત જૈસ્વાલે જણાવ્યું હતું કે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડનું મુખ્ય સૂત્ર “નેશન ફર્સ્ટ” એટલે દેશ પ્રથમ છે. અને કોર્પોરેશને કરેલા નફામાંથી ૨.૫% સોશિયલ કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી અન્વયે સમાજ અને દેશના લોકોના જીવનમાં વધુ સુધારો કરવાના હેતુસર કાર્ય કરે છે.
આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઇ તથા ઉપસ્થિત મહાનુભાવોએ દીવ્યાંગોને હેલ્મેટ પહેરાવીને જિલ્લાભરમા ચાલી રહેલી હેલ્મેટ ડ્રાઇવને અનુસરવાની અપીલ કરી હતી. સાથે જ જસદણ નગરપાલિકાના સ્ટ્રીટલાઈટ વિભાગ માટે ૯.૦ મી. હાઈટ ધરાવતા હાઈડ્રોલીક વાહન અને નગરપાલિકાના સેનીટેશન વિભાગ માટે અર્થમુવર મશીનનું મહાનુભાવોએ લોકાર્પણ કર્યું હતું.