દિવ્યાંગો, સિનિયર સિટીઝનો, થેલેસેમિયા-ડાયાબિટીક દર્દીઓ માટે સિટી બસમાં ફ્રી-મુસાફરીનો અમલ શરૂ
૬ સિવિક સેન્ટર તેમજ વોર્ડ ઑફિસથી ફોર્મ વિતરણ શરૂ: બજેટની વધુ એક યોજના ઝડપથી સાકાર કરતી મનપા
મહાપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં દિવ્યાંગો (૨૧ કેટેગરી), સિનિયર સિટીઝન, થેલેસેમિયાગ્રસ્ત, જુવેનાઈલ ડાયાબિટીકને સિટી બસ સેવા તેમજ બીઆરટીએસ બસ સેવામાં ફ્રી મુસાફરીની યોજના જાહેર કરવામાં આવી હતી જેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું.
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ૧૯-૨-૨૦૨૪ના આ યોજના જાહેર કરાઈ હતી. આ યોજનાનો લાભ મેળવવા માટેના અરજીપત્રક મનપાના તમામ સિવિક સેન્ટર તેમજ વોર્ડ ઓફિસેથી મળી શકશે. જરૂરી આધાર-પૂરાવા સાથે સંપૂર્ણ વિગતો ભરેલું કેટેગરીવાઈઝ ફોર્મ સવારે ૧૦:૩૦થી બપોરે ૩:૩૦ (બપોરે ૨:થી ૨:૩૦ રિસેસ) સુધીમાં સિટી સિવિક સેન્ટર-સેન્ટ્રલ ઝોન, સિટી સિવિક સેન્ટર-ઈસ્ટ ઝોન અને સિટી સિવિક સેન્ટર-વેસ્ટ ઝોન ઉપરાંત અમીન માર્ગ, કૃષ્ણનગર, દેવપરા શાક માર્કેટ પાસે આવેલા સિવિક સેન્ટર તેમજ તમામ વોર્ડ ઓફિસે સ્વીકારવામાં આવશે.
થેલેસેમિયાગ્રસ્ત, જુવેનાઈલ ડાયાબિટીક તેમજ દિવ્યાંગોની ૨૧ કેટેગરીમાં સામેલ મુસાફરોએ બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ, ફોટો આઈડી પ્રુફની નકલ, એડે્રસ પ્રુફની નકલ તેમજ દિવ્યાંગો માટે સિવિલ સર્જનનો દાખલો જોડવાનો રહેશે. જ્યારે ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતાં વરિષ્ઠ નાગરિકોએ આ પાસ મેળવવા માટે બે ફોટો, આઈડી પ્રુફ, એડે્રસ પ્રુફ જોડવાના રહેશે.
આ ઉપરાંત પાસ ધરાવનારે ઓરિજનલ પાસ સાથે રાખવો પડશે અને જેના નામનો પાસ હશે તેને જ મુસાફરી કરવા દેવાશે. પાસ ખોવાઈ જાય કે ધોવાઈ જાય તો નવેસરથી અરજી પ્રક્રિયા કરવાની રહેશે. જો ચેકિંગ દરમિયાન સાથે પાસ નહીં હોય તો મુસાફરીનું ભાડું દંડ સાથે વસૂલાશે.